માળીયા નજીક અણીયારી ચોકડી પાસે સુપર કેરી ગાડીમાંથી ઘેટા-બકરા મળી આવતા, પોલીસની હાજરીમાં વાહન કબજે કરી કાયદેસરની કાર્યવાહી.
મોરબી: શ્રાવણ માસના બીજા સોમવારે મોરબી ગૌરક્ષક ટીમે બાતમીના આધારે માળીયા વિસ્તારમાં વોચ ગોઠવી હતી, ત્યારે ક્રુરતા પૂર્વક બાંધી કતલ માટે લઈ જવાતા ૨૯ ઘેટા-બકરાને બચાવ્યા હતા. તમામ અબોલ જીવોને સુરક્ષિત રીતે મોરબી પાંજરાપોળ ખાતે મોકલવામાં આવ્યા હતા.
મળતી માહિતી મુજબ, કચ્છના શિકારપુર તરફથી સીએનજી કેરી ગાડી રજી.નં. જીજે-૧૩-એએક્સ-૯૦૮૬ માં મોટી સંખ્યામાં અબોલ જીવોને માળીયા, હળવદ અને ધ્રાંગધ્રા તરફ લઈ જવાતા હોવાની બાતમી મોરબી ગૌરક્ષકોને મળી હતી. જેના આધારે માળીયા વિસ્તારમાં ગૌરક્ષકો દ્વારા વોચ ગોઠવવામાં આવી હતી.
તે દરમિયાન બાતમીવાળી ગાડી અણીયારી ચોકડી નજીકથી પસાર થતા, ગૌરક્ષકોએ તેનો પીછો કરી વાહન રોકાવી તપાસ કરતાં અંદર ૨૯ ઘેટા-બકરા ટૂંકા દોરડાથી બાંધેલી હાલતમાં મળી આવ્યા હતા. આ અંગે મોરબી તાલુકા પોલીસને જાણ કરાતા પોલીસ સ્થળ પર પહોંચી હતી અને વાહન તથા ચાલક સહિતના આરોપીઓને પોલીસ મથકે લઈ જઈ પશુ પ્રત્યે ક્રુરતા પ્રતિબંધ અધિનિયમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. આ સાથે બચાવાયેલા ૨૯ અબોલ જીવોને સુરક્ષિત રીતે મોરબી પાંજરાપોળ ખાતે મોકલવામાં આવ્યા હતા.
આ સરાહનીય કામગીરીમાં મોરબી વિશ્વ હિન્દુ પરિષદ-બજરંગ દળ, અખિલ વિશ્વ ગૌ સંવર્ધન પરિષદ, રાષ્ટ્રીય સનાતન સેના, હિન્દુ યુવા વાહિની તેમજ મોરબી, ચોટીલા અને લીમડીની ગૌરક્ષક ટીમો સહભાગી બની હતી.






