Wednesday, August 5, 2026
HomeGujaratમોરબીના આંદરણા ગામની ₹7.36 લાખની ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલતી ક્રાઇમ બ્રાન્ચ: મધ્યપ્રદેશની...

મોરબીના આંદરણા ગામની ₹7.36 લાખની ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલતી ક્રાઇમ બ્રાન્ચ: મધ્યપ્રદેશની ગેંગના બે આરોપી ઝડપાયા

મોરબી: મોરબી તાલુકાના આંદરણા ગામમાં થયેલી રૂ. 7.36 લાખની ઘરફોડ ચોરીનો ભેદ મોરબી લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB)એ ગણતરીના દિવસોમાં ઉકેલી મધ્યપ્રદેશની આંતરરાજ્ય ગેંગના બે આરોપીઓને ઝડપી પાડ્યા છે. તેમની પાસેથી ચોરીમાં ગયેલા સોના-ચાંદીના દાગીના સહિત રૂ. 4.53 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે, જ્યારે ગેંગના અન્ય ત્રણ આરોપીઓ હજુ ફરાર છે.

- Advertisement -
- Advertisement -

પોલીસના જણાવ્યા મુજબ, 17-18 જુલાઈની રાત્રે આંદરણા ગામે કમલેશભાઈ મેરામણભાઈ બોરાણાના બંધ મકાનના દરવાજા અને કબાટના તાળા તોડી અજાણ્યા તસ્કરોએ સોના-ચાંદીના દાગીના, રોકડ રકમ અને ઘડિયાળ મળી કુલ રૂ. 7,36,900ની ચોરી કરી હતી. આ અંગે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા હેઠળ ગુનો નોંધાયો હતો.

સરહદી રેન્જ ભુજના પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડીયા અને મોરબી જિલ્લા પોલીસ અધિક્ષક મુકેશ પટેલના માર્ગદર્શન હેઠળ એલસીબી અને પેરોલ-ફર્લો સ્ક્વોડે તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન આસપાસના સીસીટીવી ફૂટેજ, ટેક્નિકલ સર્વેલન્સ, હ્યુમન ઇન્ટેલિજન્સ તેમજ પરપ્રાંતીય મજૂરોની ચકાસણી કરવામાં આવી હતી.

તપાસ દરમિયાન બાતમી મળી હતી કે વાંકાનેર રોડ પર નવા બની રહેલા કારખાનાઓ નજીક ઈંટના ભઠ્ઠામાં મજૂરી કરતા કેટલાક પરપ્રાંતીય મજૂરો આ ગુનામાં સંડોવાયેલા છે. તેના આધારે પોલીસે બે શંકાસ્પદ ઇસમોને ઝડપી તેમની પૂછપરછ કરતાં તેમણે ગુનાની કબૂલાત કરી હતી.ઝડપાયેલા આરોપીઓમાં સમરસીંગ ઉર્ફે સમીર કાલુસીંગ દેવકા (ઉ.વ.33) અને સુરેશ ઉર્ફે સુરો ભુરસીંગ દેવકા (ઉ.વ.26) નો સમાવેશ થાય છે. બંને મૂળ મધ્યપ્રદેશના ધાર જિલ્લાના રહેવાસી છે અને હાલમાં મોરબીના વાંકડા ગામની સીમમાં રહી મજૂરી કામ કરતા હતા.પોલીસે તેમની પાસેથી સોનાના મંગળસૂત્ર, ચેઇન, પેન્ડલ, બુટ્ટી, વીંટી, ચાંદીના કડા તેમજ ત્રણ મોબાઇલ મળી કુલ રૂ. 4,53,900નો મુદ્દામાલ કબજે કર્યો છે.

તપાસમાં ખુલ્યું છે કે આરોપીઓ દિવસ દરમિયાન ગામોમાં પગપાળા ફરીને બંધ મકાનોની રેકી કરતા અને ત્યારબાદ પોતાના વતનમાંથી અન્ય સાગરિતોને બોલાવી મોડી રાત્રે ઘરફોડ ચોરીને અંજામ આપતા હતા. આ ગુનામાં સંડોવાયેલા અન્ય ત્રણ આરોપીઓ અંતરસીંગ મકવાણા, રમેશ દેવકા અને દિલીપ અનારે હાલ ફરાર છે, જેમની શોધખોળ પોલીસ દ્વારા ચાલુ છે.

આ સમગ્ર કામગીરી એલસીબીના ઇન્ચાર્જ પીઆઈ એસ.પી. જાડેજા, પીએસઆઈ બી.ડી. ભટ્ટ, પીએસઆઈ વી.જી. માલાણી, પેરોલ-ફર્લો સ્ક્વોડ, ટેક્નિકલ સર્વેલન્સ ટીમ તથા એલસીબી સ્ટાફે સફળતાપૂર્વક પાર પાડી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!