દીકરીના જૂના પ્રેમ સંબંધના શકમાં ઘરમાં ઘૂસી મારામારી અને ધમકી આપ્યાનું લાગી આવતા વૃદ્ધાએ ગળેફાંસો ખાઈ મોત વ્હાલું કર્યું હતું.
મોરબીના વાવડી રોડ વિસ્તારમાં દીકરી ઉપર પ્રેમ સંબંધનો આક્ષેપ કરી માતા-પુત્રી સાથે મારામારી અને ધમકી આપવાના બનાવ બાદ વૃદ્ધાએ ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. આ મામલે સીટી એ ડિવિઝન પોલીસે પુત્રીની ફરિયાદને આધારે પાંચ મહિલા સહિત છ વ્યક્તિ વિરુદ્ધ આત્મહત્યા માટે દુષ્પ્રેરણા સહિતની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી આગળની તપાસ ચલાવી છે.
મોરબી શહેરના વાવડી રોડ પર આવેલી ક્રિષ્ના પાર્ક સોસાયટીમાં રહેતા વૃદ્ધા અલીનાબેનના આપઘાત મામલે મૃતકની દીકરીની ફરિયાદ અંગે પોલીસે ગંભીર નોંધ લઈ પાંચ મહિલા સહિત કુલ છ આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધ્યો છે. આ કેસમાં મદિનાબેન આદીનાભાઈ બ્લોચ ઉવ.૨૭ એ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં આરોપી નઝમાબેન સલીમભાઈ માણેક રહે.શુભ સોસાયટી વાબડી રોડ મોરબી, નઝમાબેનની બહેન નૂરબાનુ રહે. વીસીપરા મોરબી, નઝમાબેનની નણંદ જીલીબેન રહે.શુભ સોસાયટી વાવડી રોડ મોરબી, નઝમાબેનની દેરાણી ભુરીબેન રહે. વીસીપરા મોરબી, નઝમાબેનના સાસુ રહે. શુભ સોસાયટી વાવડી રોડ તથા નઝમાબેનના દિયર વલીયો દાઉદભાઈ રહે. વીસીપરા મોરબી વાળા વિરુદ્ધ નોંધાવેલી ફરિયાદ મુજબ આરોપીઓએ આરોપી નઝમાબેનના પતિ સાથે મદીનાબેનના જૂના પ્રેમ સંબંધના શકના આધારે મદીનાબેનના ઘરમાં ઉપરોક્ત આરોપીઓએ ઘૂસી માતા-પુત્રી સાથે મારામારી કરી જાનથી મારી નાખવાની ધમકીઓ આપી હતી.
મદિનાબેન છેલ્લા આઠ વર્ષથી પોતાના પરિવાર સાથે ક્રિષ્ના પાર્ક સોસાયટીમાં રહે છે અને બ્યુટી પાર્લર ચલાવી પરિવારનું ગુજરાન ચલાવે છે. વર્ષો પહેલા સામે રહેતા સલીમભાઈ માણેક સાથે તેમનો થોડા સમય માટે પ્રેમ સંબંધ રહ્યો હતો, જે બાદ સંબંધ પૂર્ણ થઈ ગયો હતો. જોકે સલીમની પત્ની નઝમાબેનને હજુ પણ આ સંબંધ અંગે શક હતો. ગત તા.૦૮/૦૫ના રોજ મદિનાબેનની નાની દીકરી દ્વારા ભૂલથી સલીમને ફોન લાગી જતા જે ફોન આરોપી નઝમાબેન દ્વારા ઉપાડતા મામલો ઉગ્ર બન્યો હતો. જે બાદ બપોરે નઝમાબેન પોતાની બહેન, નણંદ, દેરાણી, સાસુ અને દિયર સાથે કાળી સ્કોર્પિયો ગાડીમાં મદિનાબેનના ઘરે પહોંચી હતી. તમામ આરોપીઓએ ઘરમાં ઘૂસી ગાળો બોલી મદિનાબેન અને તેમની માતા અલીના બેનને લાકડાના ધોકા અને ઢીકા પાટુ વડે માર માર્યો હતો જે બાદ પાડોશી મહિલાઓ દ્વારા વચ્ચે પડી માતા-પુત્રીને વધુ મારથી બચાવેલ જે બાદ તમામ આરોપીઓ મોતની ધમકી આપીને ત્યાંથી નાસી ગયા હતા. બાદમાં નઝમાબેને ફોન કરી મકાન ખાલી કરવાની અને મદિનાબેન તથા તેના ભાઈને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ત્યારે આ ઘટનાથી અલીનાબેન ભારે માનસિક તણાવમાં આવી ગયા અને તેઓએ પાંખ સાથે ચુંદડી બાંધી ગળેફાંસો ખાઈ લીધો હતો. હાલ પોલીસે આરોપી પાંચ મહિલા સહિત તમામ આરોપીઓ સામે ભારતીય ન્યાય સંહિતાની કલમ ૧૦૮, ૧૧૫(૨), ૩૩૨(સી), ૩૫૨, ૩૫૧(૨), ૫૪ તથા જી.પી. એક્ટ ૧૩૫ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.






