૪૦૦ વોશ બેસીનનો ઓર્ડર આપી ‘વેન્ડર સિસ્ટમ’ના બહાને અલગ-અલગ ચાર બેંક ખાતામાં રૂપિયા ટ્રાન્સફર કરાવ્યા: બે મોબાઈલ નંબર અને ચાર બેંક ખાતા ધારકો સામે મોરબી સાયબર ક્રાઇમ પોલીસ મથકમાં ગુનો નોંધાયો.
મોરબીના લાલપર ખાતે ટાઇલ્સ અને સેનેટરીનો વેપાર કરતા વેપારીને ઈન્ડિયન આર્મી કેન્ટમાં માલ આપવાનો ઓર્ડર આપીને ‘વેન્ડર સિસ્ટમ’ના નામે કુલ રૂ.૧૨,૪૨,૧૮૪/- અલગ-અલગ ચાર બેંક ખાતામાં ટ્રાન્સફર કરાવી ઠગાઈ કરવામાં આવી હતી. હાલ વેપારી યુવકની ફરિયાદને આધારે મોરબી સાયબર ક્રાઈમ પોલીસે બે મોબાઈલ ધારકો સહિત છ આરોપીઓ સામે બીએનએસની કલમો હેઠળ ગુનો નોંધ્યો છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, મોરબીના લખધીરનગર ખાતે રહેતા હર્ષ પ્રફુલભાઈ બરાસરા ઉવ.૨૫ લાલપર ખાતે ‘હર્ષવી ઈમ્પેક્ષ’ નામે ટાઈલ્સ તથા સેનેટરીનો વેપાર કરે છે. ફરિયાદ મુજબ ગત તા. ૨ ઓગસ્ટે તેમની પેઢીના ઈન્ડિયામાર્ટ પર નોંધાયેલા મોબાઈલ નંબર પર ‘કુણાલ ચૌધરી’ નામના વ્યક્તિએ ફોન કરી ઈન્ડિયન આર્મી કેન્ટ માટે સેનેટરી માલ ખરીદવાની વાત કરી હતી. ત્યારબાદ ૪૦૦ વોશ બેસીનનો પર્ચેઝ ઓર્ડર મોકલવામાં આવ્યો હતો. જે ઓર્ડર મુજબ વેપારીએ તા.૬ ઓગસ્ટે આશરે રૂ.૧.૫૯ લાખનો માલ બે પીકઅપ વાહનો મારફતે અમદાવાદ મોકલ્યો હતો. દરમિયાન ‘કુલદીપસિંહ’ નામના વ્યક્તિએ આર્મી કેન્ટમાં ‘વેન્ડર સિસ્ટમ’ હોવાનું કહી પેમેન્ટ, ટ્રાન્સપોર્ટ ખર્ચ અને રિફંડ મેળવવા માટે પહેલા અલગ-અલગ બેંક ખાતામાં રૂપિયા ટ્રાન્સફર કરવા જણાવ્યું હતું.
વિશ્વાસમાં આવી વેપારીએ કેનેરા બેંક, બંધન બેંક અને બેંક ઓફ મહારાષ્ટ્રના કુલ ચાર ખાતામાં છ ટ્રાન્ઝેક્શન મારફતે રૂ.૧૨,૪૨,૧૮૪/- ટ્રાન્સફર કર્યા હતા. બાદમાં શંકા જતા ઈન્ડિયન આર્મી કેન્ટ- અમદાવાદ હેલ્પ લાઇનનો સંપર્ક કરતાં આવી કોઈ પ્રક્રિયા ન હોવાનું જાણવા મળ્યું હતું. જેથી વેપારી હરેશભાઇ બરાસરાએ સાયબર હેલ્પલાઈન ૧૯૩૦ ઉપર જાણ કરી હતી અને મોકલેલો માલ ભરેલી બંને ગાડીઓ પરત મંગાવી લીધી હતી. હાલ મોરબી સાયબર ક્રાઈમ પોલીસ મથકમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ મુજબ ગુનો નોંધી, બે મોબાઈલ નંબર ધારકો તથા ચાર બેંક ખાતા ધારકો સહિત કુલ છ આરોપીઓ સામે તપાસ હાથ ધરવામાં આવી છે.






