ત્રણ શખ્સો સામે ફરિયાદ: યુવકના માથામાં ઈંટના ત્રણ ઘા મારી ઢીકાપાટુનો માર મારી, પતાવી દેવાની ધમકી.
મોરબીના વીસીપરામાં બિલાલી મસ્જિદ પાસે ઉભેલા યુવકને ‘સામું કેમ જુએ છે’ કહી ત્રણ શખ્સોએ ગાળો આપી ઈંટ વડે માથામાં ત્રણ ઘા માર્યા હતા. બાદમાં યુવકને પકડી ઢીકાપાટુનો માર માર્યો હોવાની ફરિયાદ બી ડિવિઝન પોલીસ મથકમાં નોંધાઈ છે.
મોરબીના વીસીપરા વિસ્તારમાં રહેતા નિજામભાઈ જુસબભાઈ માણેક ઉવ.૨૨ ગત રા.૧૦/૦૮ના રોજ રાત્રિના સમયે મિત્ર સાથે અગરબત્તી લેવા બિલાલી મસ્જિદ પાસેની દુકાને ગયા હતા. દરમિયાન આરોપી જયેશ અગેચણીયા રહે. વીસીપરા અમરેલી રોડ મોરબી તથા તેની સાથેના બે અજાણ્યા શખ્સો એક્ટિવા પર ત્યાં આવ્યા હતા. ત્યારે ફરિયાદી નિજામભાઈએ આરોપી જયેશ સામે જોતા તેણે ‘મારી સામું શું કામ જોવે છે’ કહી ગાળો આપી નીચે પડેલી ઈંટ વડે માથાના ભાગે ત્રણ ઘા માર્યા હતા. ત્યારબાદ સાથેના બે અજાણ્યા શખ્સોએ યુવકને પકડી ઢીકાપાટુનો માર માર્યો હતો.
મારામારીમાં યુવકના માથામાં ઈજા થતાં તેને સારવાર માટે સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યાં માથાના ભાગે આશરે દસ ટાંકા આવ્યા હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. બનાવ બાદ ત્રણેય શખ્સોએ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. હાલ ભોગ બનનારની ફરિયાદને આધારે બી ડિવિઝન પોલીસે ત્રણેય આરોપીઓ સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.






