મકાન સીલ કરવા કે વાહન જપ્ત કરવાની સત્તા અંગે પણ સ્પષ્ટતા કરવા ગ્રાહક સુરક્ષા મંડળની ગૃહમંત્રીને રજૂઆત.
મોરબી શહેર/જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઈ મહેતાએ બેંક અને ફાયનાન્સ કંપનીના રિકવરી કર્મચારીઓ દ્વારા લોનધારકોને કથિત રીતે ધમકી, માનસિક તથા શારીરિક ત્રાસ આપવાના મુદ્દે ગૃહમંત્રીને રજૂઆત કરી છે. આ સાથે ગ્રાહકોના હકો અને રિકવરી પ્રક્રિયા અંગે સ્પષ્ટ પરિપત્ર બહાર પાડવાની માંગ કરવામાં આવી છે.
મોરબી શહેર/જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઈ મહેતાએ ગુજરાતના ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવીને રજૂઆત કરી છે કે મોંઘવારી અને મંદીના સમયમાં આર્થિક મુશ્કેલીમાં મુકાયેલા લોનધારકો પાસેથી બેંક તથા ફાયનાન્સ કંપનીના રિકવરી કર્મચારીઓ દ્વારા કથિત રીતે માનસિક અને શારીરિક ત્રાસ તથા ધમકી આપવામાં આવે છે. રજૂઆતમાં જણાવ્યા મુજબ, લોનના હપ્તા બાકી રહેતા મકાન સીલ કરવા અથવા વાહન જપ્ત કરવાની કાર્યવાહી અંગે ગ્રાહકોમાં અસમંજસ છે. રિકવરી દરમિયાન ધાર્યા કરતા વધુ પેનલ્ટી વસૂલવી, વાહન છોડાવવા માટે વધારાની રકમ માંગવી અને તેની પહોંચ ન આપવી જેવા આક્ષેપો પણ રજૂઆતમાં કરવામાં આવ્યા છે. તેમજ પરિવારની હાજરીમાં અયોગ્ય શબ્દો બોલી ગ્રાહકોને અપમાનિત કરાતા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.
ગ્રાહક સુરક્ષા મંડળે સરકાર અને રિઝર્વ બેંક દ્વારા સ્પષ્ટતા કરવામાં આવે કે લોનધારકના મકાનને સીલ કરવા કે વાહન જપ્ત કરવા માટે કઈ કાયદેસરની પ્રક્રિયા જરૂરી છે. આવા કિસ્સામાં પોલીસની ભૂમિકા તથા રિકવરી કર્મચારી સામે ફરિયાદ કે એફઆઈઆર થઈ શકે કે નહીં તે અંગે પણ ગ્રાહકોને સ્પષ્ટ માહિતી આપતો પરિપત્ર બહાર પાડવાની માંગ કરી છે. આ સાથે રજૂઆતની નકલ રિઝર્વ બેંકના ગવર્નર, મોરબી જીલ્લા પોલીસ અધિક્ષક અને મોરબી જીલ્લા કલેક્ટરને પણ મોકલવામાં આવી છે.






