“ખેલાડીઓના સર્વાંગી વિકાસ માટે રાજ્ય સરકાર કટિબદ્ધ” : શ્રમ અને રોજગાર મંત્રી કાંતિભાઈ અમૃતિયા.
મોરબીમાં ન્યૂ એરા સ્કૂલ ખાતે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના વર્ચ્યુઅલ અધ્યક્ષસ્થાને તથા શ્રમ અને રોજગાર મંત્રી કાંતિભાઈ અમૃતિયાની વિશેષ ઉપસ્થિતિમાં મોરબી જીલ્લા કક્ષાના રૂ. ૨૨.૧ કરોડના ખર્ચે નિર્મિત રમતગમત સંકુલ તથા હળવદ તાલુકા કક્ષાના રૂ. ૯.૬ કરોડના ખર્ચે નિર્મિત રમતગમત સંકુલનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે રાજ્યકક્ષાના “શક્તિદૂત-૨.૦” કાર્યક્રમનું પણ જીવંત પ્રસારણ કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે શ્રમ અને રોજગાર મંત્રી કાંતિભાઈ અમૃતિયાએ જણાવ્યું હતું કે, “ખેલાડીઓના સર્વાંગી વિકાસ માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે.” રાજ્ય સરકાર દ્વારા ખેલાડીઓને આર્થિક સહાય, વૈજ્ઞાનિક તાલીમ, આધુનિક રમતગમતના મેદાનો સહિતની સુવિધાઓ મળી રહે તે દિશામાં સતત કામગીરી કરવામાં આવી રહી છે.
મોરબીમાં નિર્માણ પામેલા આધુનિક સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સના કારણે જીલ્લાના રમતવીરોને ઘરઆંગણે જ શ્રેષ્ઠ સુવિધાઓ ઉપલબ્ધ થશે. આ સુવિધાઓનો લાભ મેળવી મોરબીના ખેલાડીઓ રાજ્ય, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધાઓમાં વધુ સારો દેખાવ કરી શકશે. મોરબી જીલ્લાના અનેક વિદ્યાર્થીઓ રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાએ ભાગ લઈ ચૂક્યા છે ત્યારે વધુમાં વધુ રમતવીરો આગળ વધે તેવી શુભેચ્છા પણ મંત્રીએ પાઠવી હતી. વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, વિદ્યાર્થીઓ અભ્યાસની સાથે રમતગમત ક્ષેત્રે તેમજ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં પણ સફળતા પ્રાપ્ત કરે અને જીવનમાં આગળ વધે તે માટે તેમને યોગ્ય માર્ગદર્શન મળવું જરૂરી છે. જીલ્લાના અધિકારીઓ અને પદાધિકારીઓ વિદ્યાર્થીઓ સાથે સમયાંતરે સંવાદ કરી તેમને આગળ વધવા માટે માર્ગદર્શન આપે તેવી સૂચના પણ તેમણે આપી હતી. સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ તેમજ રમતગમતની પ્રવૃત્તિઓના વિકાસ માટે કલેક્ટર સ્વપ્નિલ ખરેની જમીન ફાળવવા બદલ મંત્રીએ પ્રશંસા વ્યક્ત કરી હતી.
આ પ્રસંગે મોરબીના મેયર ઉત્તમભાઈ સુરાણીએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા “રમશે ગુજરાત, જીતશે ગુજરાત”, “ખેલ મહાકુંભ” સહિતના વિવિધ આયોજનના માધ્યમથી રમતવીરોને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. વધુમાં વધુ રમતવીરો વિવિધ સ્પર્ધાઓમાં ભાગ લે અને તેમની પ્રતિભાને યોગ્ય તક મળે તે માટે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ સહિતની આધુનિક સુવિધાઓ ઊભી કરવામાં આવી છે. આ સુવિધાઓના માધ્યમથી મોરબી જીલ્લાના રમતવીરો રમતગમત ક્ષેત્રે ખૂબ ઊંચાઈ પ્રાપ્ત કરે તેવી તેમણે શુભકામનાઓ પાઠવી હતી.
ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાએ જણાવ્યું હતું કે, ગુજરાત સરકાર દ્વારા દરેક જીલ્લા અને તાલુકા મથકે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું નિર્માણ થાય તે માટે સતત પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે, જેથી રમતવીરોને તાલીમ અને સ્પર્ધા માટે જીલ્લા બહાર જવું ન પડે.
મોરબી જીલ્લા કક્ષાના સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં રમતવીરો માટે વિવિધ ઇન્ડોર અને આઉટડોર રમતગમતની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. જેમાં બેડમિન્ટન, ૧૦ મીટર શૂટિંગ રેન્જ, જિમ્નેશિયમ, ટેબલ ટેનિસ, ઇન્ડોર બાસ્કેટબોલ, બોર્ડ ગેમ્સ ઉપરાંત ૨૦૦ મીટર સિન્થેટિક એથ્લેટિક ટ્રેક, વોલીબોલ, સિન્થેટિક ટેનિસ કોર્ટ, સિન્થેટિક બાસ્કેટબોલ, ખો-ખો, કબડ્ડી, હોકી અને આર્ચરી જેવી સુવિધાઓનો સમાવેશ થાય છે.
હળવદ ખાતે નિર્માણ પામેલા તાલુકા કક્ષાના સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં બેડમિન્ટન, ૧૦ મીટર શૂટિંગ રેન્જ, ટેબલ ટેનિસ જેવી ઇન્ડોર સુવિધાઓ ઉપરાંત એથ્લેટિક ટ્રેક, વોલીબોલ, કબડ્ડી અને ખો-ખો જેવી આઉટડોર રમતગમતની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે.
આ પ્રસંગે ડેપ્યુટી મેયર ચિરાગ રાણપરા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયંતિભાઈ પડસુંબિયા, અગ્રણી જયંતિભાઈ રાજકોટિયા, ટ્રસ્ટી અતુલભાઈ પાડલિયા, કલેક્ટર સ્વપ્નિલ ખરે, મ્યુનિસિપલ કમિશનર સંગીતાબેન રૈયાણી, પ્રાંત અધિકારી પ્રવીણસિંહ જેતાવત, રમતગમત અધિકારી રવિકુમાર ચૌહાણ સહિત પદાધિકારીઓ, અધિકારીઓ તથા વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.






