હળવદ તાલુકાના રણમલપુર ગામે ખેતરમાં જવાના રસ્તે ચાલવા દેવા મામલતદાર કોર્ટથી મંજૂર કરાયેલા રસ્તા ઉપર અવરોધ ઉભો કરી ખેડૂતને વાડીમાં જતા રોકવા મામલે બે શખ્સો સામે ફરિયાદ નોંધાઈ છે. હાલ પોલીસે મામલતદાર કોર્ટના આદેશનો અનાદર કર્યા સહિતની કલમો હેઠળ કેસ દાખલ કરી આગળની તપાસ શરૂ કરી છે.
હળવદના રણમલપુર ગામના ખેડૂત વાસુદેવભાઈ પોપટભાઈ પટેલ ઉવ.૫૬ એ હળવદ પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદ મુજબ તેમની સર્વે નં.૬૦૯ની જમીનમાં જવાના રસ્તા અંગે મામલતદાર કોર્ટ હળવદમાં કેસ ચાલતો હતો. જેમાં કોર્ટ દ્વારા તેમને આ માર્ગ પરથી અવરજવર માટે રસ્તો ખુલ્લો કરી આપવાનો હુકમ કરવામાં આવ્યો હતો. જે બાદ સર્કલ ઓફિસર દ્વારા પણ સ્થળ વિઝિટ કરીને કોર્ટના હુકમ મુજબ રસ્તો ખુલ્લો કરી આપવામાં આવ્યો હતો અને પરિવારના સભ્યો તેનો ઉપયોગ કરતા હતા. જે બાદ ગત તા.૧૧ જૂનના રોજ તેમના પુત્ર પ્રતિકભાઈ ખેતરે વીજ જોડાણના કામ માટે જતા હતા ત્યારે આરોપી રણમલપુરના મહેશભાઈ લવજીભાઈ પટેલ અને વિપુલભાઈ લવજીભાઈ પટેલે રસ્તામાં અવરોધ ઉભો કરી વાડીમાં જતા રોક્યા હતા. આરોપીઓએ પ્રાંત અધિકારી સમક્ષ કેસ ચાલુ હોવાનું કારણ આપી અવરજવર ન કરવા જણાવ્યું હતું. ત્યારે મામલતદાર કોર્ટના હુકમનો અનાદર કર્યો હતો. હાલ હળવદ પોલીસે બંને આરોપીઓ સામે ભારતીય ન્યાય સંહિતાની કલમ ૧૨૬(૨), ૨૨૩ અને ૫૪ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.






