મોરબી તાલુકાના પીપળીયા-ફગસીયા રોડ પર ડમ્પરની અડફેટે રોડ પર સૂતા શ્રમિકનું મોત થયું હતું. ત્યારે મૃતકના પત્નીની ફરિયાદને આધારે તાલુકા પોલીસે આરોપી ડમ્પર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મોરબી તાલુકાના પીપળીયા-ફગસીયા રોડ પર શ્યામ માઇક્રોન ફેક્ટરી નજીક ગઈ તા.૧૬/૦૬ના રોજ રોડ પર સુતેલ મોહનભાઈ હાનાભાઈ પરમાર રહે. હાલ ખાખરાળા તા.જી.મોરબી મૂળ એમપી રાજ્યના ધાર જીલ્લાના પાના ગામના વતનીને ડમ્પર રજી.નં. જીજે-૩૬-એક્સ-૮૯૨૪ના ચાલકે પોતાનું વાહન બેદરકારીપૂર્વક ચલાવી કચડી નાખી અકસ્માત સર્જ્યો હતો. અકસ્માતમાં મોહનભાઈનું માથું છૂંદાઈ ગયું હતું. અકસ્માત સર્જી ડમ્પર ચાલક પોતાનું વાહન લઈને નાસી ગયો હતો. હાલ મૃતકના પત્ની રેખાબેનની ફરીયાદને આધારે મોરબી તાલુકા પોલીસે આરોપી ડમ્પર ચાલક સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.






