માળીયા(મી) તાલુકાના હરિપર ગામે મીઠાના કારખાનામાં કામ કરતા મશીન ઓપરેટરને લઈને થયેલા વિવાદમાં ૭૨ વર્ષીય કારખાનેદાર અને તેના પુત્ર ઉપર ધારીયા તથા લાકડી વડે હુમલો કરાયો હતો. હુમલામાં વૃદ્ધને માથામાં ગંભીર ઈજા પહોંચતા રાજકોટ સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. હાલ સમગ્ર બનાવને લઈ પડોશી કારખાનેદાર તથા એક અજાણ્યા શખ્સ વિરુદ્ધ માળીયા(મી) પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
માળીયા(મી) તાલુકાના હરિપર ગામે નજીવી બાબતે બે કારખાનેદારો વચ્ચે થયેલા વિવાદે હિંસક સ્વરૂપ ધારણ કર્યું હતું. બનાવ અંગેની ફરિયાદ મુજબ, હરિપર ગામે મીઠાના વેપાર સાથે સંકળાયેલા ૭૨ વર્ષીય ગનીભાઈ સુલેમાનભાઈ પાયક પોતાના કારખાને હાજર હતા ત્યારે બાજુમાં કારખાનું ધરાવતા આરોપી ફતેમહમદ અબ્દુલભાઈ ભટ્ટી ત્યાં આવી ગાળો બોલવા લાગ્યા હતા. આરોપી ફતેમહમદે તેમના કારખાનાના મશીન ઓપરેટર હાલ ફરિયાદી ગનીભાઈના કારખાનામાં કામ કરતો હોવાનો ખાર રાખી બોલાચાલી શરૂ કરી હતી. આ દરમિયાન ઉશ્કેરાયેલા આરોપી ફતેમહમદે પોતાના હાથમાં રહેલા ધારીયાથી ગનીભાઈના માથાના ભાગે હુમલો કરતા તેમને ગંભીર ઈજા પહોંચી હતી અને લોહીલુહાણ હાલતમાં સારવાર માટે પહેલા માળીયા, ત્યારબાદ મોરબી અને બાદ રાજકોટની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં માથામાં ફ્રેક્ચર તેમજ આઠ ટાંકા આવ્યા હોવાનું સામે આવ્યું છે.
આ બનાવ દરમિયાન આરોપી સાથે રહેલા અજાણ્યા શખ્સે ફરિયાદીના પુત્ર અસરફ ગનીભાઈ પાયક પર લાકડી વડે હુમલો કરી મુઢ ઈજા પહોંચાડી હતી. બનાવ બાદ બંને આરોપીઓ સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા. હાલ માળીયા(મી) પોલીસે બન્ને આરોપીઓ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કલમો તેમજ ગુજરાત પોલીસ એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.






