લગ્નની લાલચ આપી મોરબીથી રાજકોટ લઈ ગયો, ન્યૂડ ફોટા પાડી વાયરલ કરવાની અને જાતિ પ્રત્યે હડધૂત કરી જાનથી મારી નાખવાની ધમકી આપી.
મોરબી ગ્રામ્ય વિસ્તારની અને મોરબી શહેરમાં રહેતી ૨૦ વર્ષીય યુવતીને સ્નેપચેટ મારફતે ઓળખાણમાં આવેલા રાજકોટના સોહિલખાન ફિરોઝખાન પઠાણે લગ્નની લાલચ આપી અપહરણ કરી રાજકોટ ખાતે સાત દિવસ સુધી રાખી તેની સાથે બળજબરીપૂર્વક દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ નોંધાઈ છે. આરોપીએ માત્રને માત્ર મોજશોખ માટે યુવતીનો ઉપયોગ કર્યો હોવાનું તેમજ યુવતીના ન્યૂડ ફોટા પાડી વાયરલ કરવાની તથા જાતિ પ્રત્યે હડધૂત કરી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાનો પણ ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, અજાણ્યા લોકો સાથે થયેલી મિત્રતા અને અંધ વિશ્વાસ ક્યારેક સ્વચ્છંદી યુવતીઓ માટે ગંભીર પરિણામો સર્જી શકે છે. આવા કિસ્સાઓમાં નીચલા સ્તરની માનસિકતા ધરાવતા અસામાજિક અને લુખ્ખા તત્વો યુવતીઓની લાગણીઓ અને વિશ્વાસનો ગેરલાભ ઉઠાવી તેમને બ્લેકમેઇલ, ધમકી અને શોષણનો ભોગ બનાવતા હોય છે, જેના કારણે યુવતી તેમજ તેના પરિવારજનોને ભારે માનસિક અને સામાજિક પરિસ્થિતિનો સામનો કરવો પડે છે.
મોરબીના ગ્રામ્ય વિસ્તારની અને મોરબી શહેરમાં નોકરી કરતી ૨૦ વર્ષીય પીડિતાએ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં આરોપી સોહિલખાન ફિરોઝખાન પઠાણ રહે. રાજકોટ જંગલેશ્વર શેરી નં.૨૮ વાળા વિરુદ્ધ નોંધાવેલી ફરિયાદ મુજબ, આશરે ત્રણ વર્ષ પહેલાં સ્નેપચેટ એપ્લિકેશન મારફતે તેની ઓળખ રાજકોટના નરાધમ સોહિલખાન પઠાણ સાથે થઈ હતી. સ્નેપચેટ પર થયેલી ઓળખાણ બાદ બંને વચ્ચે મિત્રતા વધી હતી અને આરોપી અવારનવાર મોરબી આવી યુવતીને મળતો તેમજ ફરવા લઈ જતો હતો.
આરોપી સોહિલખાન પઠાણ પીડિતા સાથે મીઠી મીઠી વાતો કરી લગ્ન કરવાની લાલચ આપી હતી અને ગત ૧૦ મે ૨૦૨૬ના રોજ રાત્રિના સમયે મોરબી સ્થિત આયુષ હોસ્પિટલ નજીકથી યુવતીને પોતાની ‘રિક્ષામાં’ બેસાડી રાજકોટ લઈ ગયો હતો. ત્યાં પોતાના રહેણાંક મકાને લઈ જઈ યુવતી સાથે બળજબરીપૂર્વક શરીર સંબંધ બાંધ્યો હતો. આ દરમિયાન આરોપીએ યુવતીના ન્યૂડ ફોટા પાડી લીધા હતા અને જો તે ત્યાંથી જતી રહેશે અથવા કોઈને વાત કરશે તો ફોટા વાયરલ કરી દેશે તેમજ જાનથી મારી નાખશે તેવી ધમકી આપી હતી. ધમકીના ડરથી યુવતી આશરે સાત દિવસ સુધી રાજકોટ ખાતે આરોપી સાથે રહી હતી. આ દરમિયાન આરોપીએ ત્રણ વખત યુવતીની ઈચ્છા વિરુદ્ધ શરીર સંબંધ બાંધ્યા હતો. જે બાદ જ્યારે યુવતીએ આરોપીને લગ્ન કરવા માટે દબાણ કર્યું ત્યારે આરોપીએ જાતિ આધારિત અપમાનજનક શબ્દો ઉચ્ચારી કહ્યું હતું કે તે માત્ર મોજશોખ માટે સંબંધ રાખ્યો હતો.
ઘણા દિવસો સુધી યુવતી ગુમ રહેતા યુવતીના પરિવારજનોએ મોરબી પોલીસમાં ગુમ થયાની અરજી કરતાં આરોપી સોહિલખાન તથા તેના પરિવારજનો યુવતીને મોરબી પરત મૂકી ગયા હતા. ત્યારબાદ યુવતીએ પરિવારજનો અને ઓળખીતાઓને સમગ્ર બનાવની જાણ કરી પોલીસ ફરિયાદ નોંધાવી હતી. હાલ આ બનાવ અંગે મોરબી સીટી એ ડિવિઝન પોલીસે આરોપી સોહિલખાન વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલમ તેમજ એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.






