એક જ ફળિયામાં રહેતા પરિવાર વચ્ચે બોલાચાલી ઉગ્ર બનતા લોખંડના પાઇપ અને લાકડાના ધોકાથી હુમલો, એક વ્યક્તિને માથામાં ગંભીર ઇજા
મોરબીના ખાટકીવાસ ચોક વિસ્તારમાં એક જ ફળિયામાં રહેતા કુટુંબી પરિવારો વચ્ચે ડેલી બંધ કરવા જેવી બાબતે બોલાચાલી બાદ મારામારીનો બનાવ બન્યો હતો. ઘટનામાં એક વ્યક્તિને માથામાં ગંભીર ઇજા પહોંચી હતી. હાલ ઇજાગ્રસ્તના પુત્રની ફરિયાદને આધારે સીટી એ-ડિવિઝન પોલીસે બે મહિલા સહિત પાંચ વ્યક્તિઓ સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
મોરબીના ખાટકીવાસ ચોકમાં એક જ ફળિયામાં રહેતા બે કુટુંબી પરિવારો વચ્ચે સામાન્ય બાબતે થયેલો વિવાદ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા મારામારીનો બનાવ સામે આવ્યો છે. જે બનાવ અંગે નવાઝભાઈ ઇકબાલભાઈ કાસમભાઈ ચૌહાણ ઉવ.૧૮ એ આરોપી તરીકે તેના મોટાબાપુ દાઉદભાઈ કાસમભાઈ ચૌહાણ, મોટાબાપુનો દીકરો શાહરુખ દાઉદભાઈ, મોટીબા ફતિમાબેન દાઉદભાઈ, મોટાબાપુની દીકરી ઇરમ તથા જમાઈ શબ્બીર અબ્બાસભાઈ તરકબાણ સહિત ના વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. જે ફરિયાદ મુજબ ડેલી બંધ રાખવાની બાબતે અગાઉથી ચાલતા મનદુઃખના કારણે ઉપરોક્ત આરોપીઓ ફરીયાદીના ઘરે પહોંચી ગાળાગાળી અને ઝઘડો કરવા લાગ્યા હતા.
બાદમાં બોલાચાલી ઉગ્ર બનતા આરોપીઓએ લાકડાના ધોકા, ઢીકા-પાટુ તેમજ લોખંડના પાઇપ વડે હુમલો કર્યો હતો. બનાવ દરમિયાન ફરિયાદીના પિતાને માથાના ભાગે પાઇપનો ઘા મારતા ગંભીર ઇજા પહોંચી હતી અને સાત ટાંકા લેવા પડ્યા હતા. ઉપરાંત ફરિયાદીની માતાને વાળ પકડી શેરીમાં ઢસડી લઈ જઈ માર મારવામાં આવ્યો હતો. જે બાદ આજુબાજુ વાળાએ વચ્ચે પાડીને ફરિયાદીના પરિવારને વધુ મારથી છોડાવ્યા હતા ત્યારે જાનથી મારી નાખવાની ધમકી આપી આરોપીઓ ચાલ્યા ગયા હતા. હાલ સીટી એ-ડિવિઝન પોલીસે પાંચ આરોપીઓ સામે ભારતીય ન્યાય સંહિતા તથા જી.પી. એક્ટની કલમો હેઠળ ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરી છે.






