કરાડિયા વિસ્તારમાં નદી કાંઠે ચાલતી ભઠ્ઠી પર પોલીસની રેઇડ, રૂ.૧.૨૫ લાખનો મુદ્દામાલ કબજે, આરોપી સલેમાન પારેડી ફરાર.
માળીયા તાલુકાના ચીખલી ગામની સીમમાં કરાડિયા વિસ્તાર પાસે નદીના કાંઠે ચાલતી દેશી દારૂની ભઠ્ઠી પર માળીયા(મી) પોલીસે દરોડો પાડ્યો હતો. પોલીસને સ્થળ પરથી પતરાના અને પ્લાસ્ટિકના બેરલમાં ભરેલો કુલ ૩૦૦૦ લીટર ઠંડો આથો તથા ૨૫૦ લીટર દેશી દારૂ મળી આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે, સ્ટેટ મોનીટરીંગ સેલના દરોડા બાદ સફાળી જાગેલી માળીયા(મી) પોલીસે કુલ રૂ.૧,૨૫,૦૦૦/-નો મુદ્દામાલ કબજે કર્યો હતો. જોકે, દરોડા સમયે ભઠ્ઠી ચલાવનાર આરોપી હાજર મળી આવ્યો ન હતો.
માળીયા (મી) પોલીસ સ્ટેશનનો સ્ટાફ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન બાતમી મળી હતી કે ચીખલી ગામની સીમમાં કરાડિયા વિસ્તાર પાસે નદીના કાંઠે સલેમાનભાઈ અયુબભાઈ પારેડી રહે.ચીખલી તા.માળીયા(મી) વાળો દેશી દારૂની ભઠ્ઠી ચલાવે છે. જેના આધારે પોલીસે ઉપરોક્ત સ્થળે દરોડો પાડ્યો હતો. દરોડા દરમિયાન સ્થળેથી ૩૦૦ લીટરની ક્ષમતાના બે પતરાના બેરલમાં ૬૦૦ લીટર અને ૨૦૦ લીટરની ક્ષમતાના ૧૨ પ્લાસ્ટિક બેરલમાં ૨૪૦૦ લીટર મળી કુલ ૩૦૦૦ લીટર ઠંડો આથો મળી આવ્યો હતો. આ ઉપરાંત કુલ ૨૫૦ લીટર દેશી દારૂ સહિત કુલ રૂ.૧.૨૫ લાખનો મુદ્દામાલ કબજે કરી પોલીસે પ્રોહિબિશન એક્ટની કલમ હેઠળ ગુનો નોંધી આરોપી સલેમાન પારેડીની શોધખોળ હાથ ધરી છે.






