લોખંડના પાઇપ અને લાકડી વડે માર મારતાં બંને ભાઈઓને માથામાં ઈજા: જાનથી મારી નાખવાની ધમકી પણ આપી.
મોરબીના હરિપર (કેરાળા) ગામે મકાનના ત્રણ મહિનાના બાકી ભાડાની ઉઘરાણી બાબતનો ખાર રાખી કરિયાણાની દુકાનના સંચાલક અને તેમના ભાઈ પર એક જ પરિવારના પાંચ શખ્સોએ હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. હુમલામાં બંને ભાઈઓને માથામાં ઈજા થતાં ટાંકા લેવા પડ્યા હતા. હાલ ભોગ બનનારની ફરિયાદને આધારે મોરબી તાલુકા પોલીસે પાંચેય આરોપીઓ સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મોરબી તાલુકાના હરિપર (કેરાળા) ગામે રહેતા અને કરિયાણાની દુકાન ચલાવતા અમિતભાઈ જયંતીલાલ હળવદિયા ઉવ.૪૫એ આરોપી સુરેશભાઈ ઘેલાભાઈ પાંચીયા, લખમણ સુરેશભાઈ પાંચીયા, મેહુલ સુરેશભાઈ પાંચીયા, હીરો મેહુલભાઈ પાંચીયા અને ભરતભાઈ સુરેશભાઈ પાંચીયા તમામ રહે. હરિપર(કેરાળા) તા.મોરબી વાળા સામે પોલીસ ફરિયાદ નોંધાવી જાહેર કર્યું કે, ગઈકાલ તા. ૧૮ ઓક્ટોબરના રોજ સાંજે આશરે સાડા સાત વાગ્યે ફરિયાદી અમિતભાઈ પોતાની દુકાને હાજર હતા ત્યારે મકાનના ભાડા અંગે આરોપી મેહુલભાઈને વાત કરી હતી. ત્યારબાદ ભાડું ચૂકવવા બાબતે મેહુલભાઈ સાથે બોલાચાલી થતા તે જાનથી મારી નાખવાની ધમકી આપી ત્યાંથી જતા રહ્યા હતા. થોડીવાર બાદ અન્ય ચારેય આરોપી શખ્સો લોખંડના પાઇપ અને લાકડીઓ સાથે દુકાને આવી અમિતભાઈને માથામાં માર માર્યો હતો. દરમિયાન તેમના નાના ભાઈ દિપેશભાઈ વચ્ચે પડતાં તેમને પણ માથામાં લોખંડના પાઇપથી ઈજા પહોંચાડી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
ઈજાગ્રસ્ત બંને ભાઈઓને સારવાર માટે મોરબીની સમર્પણ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં અમિતભાઈને માથામાં ચાર ટાંકા અને દિપેશભાઈને પાંચ ટાંકા લેવા પડ્યા હતા. હાલ આ બનાવ અંગે અમિતભાઈની ફરિયાદના આધારે તાલુકા પોલીસે ભારતીય ન્યાય સંહિતા તેમજ જીપી એક્ટની કલમ હેઠળ આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ ચલાવી છે.






