સાંસદ ચંદુભાઈ શિહોરા અને ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરાની ઉપસ્થિતિમાં ભૂમિપૂજન સંપન્ન: ૨૫થી વધુ ગામોને ટ્રાફિકની સમસ્યામાંથી મળશે રાહત.
હળવદના વેગડવાવ રેલવે ફાટક પર રૂ. ૭૫.૧૯ કરોડના ખર્ચે રેલવે ઓવરબ્રિજ અને અંડરબ્રિજ બનાવવાના કામનું ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું. બે વર્ષમાં કામ પૂર્ણ કરવાનું આયોજન છે. આ પ્રોજેક્ટથી હળવદ શહેર સહિત ૨૫થી વધુ ગામોના લોકોને અવરજવરમાં સરળતા રહેશે.
હળવદ શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં લાંબા સમયથી સતાવતા ટ્રાફિકના પ્રશ્નના નિરાકરણ માટે વેગડવાવ રોડ પર આવેલા રેલવે ફાટક પાસે ઓવરબ્રિજ અને અંડરબ્રિજના નિર્માણકાર્યનું ભૂમિપૂજન સમારોહ યોજાયો હતો. રૂ.૭૫ કરોડ ૧૯ લાખના ખર્ચે બનનારા આ બંને બ્રિજનું કામ બે વર્ષની સમયમર્યાદામાં પૂર્ણ કરવાનું આયોજન છે. વેગડવાવ રેલવે ફાટક વારંવાર બંધ થવાથી વાહનચાલકો અને રાહદારીઓને સમયનો વ્યય તેમજ ટ્રાફિકની સમસ્યાનો સામનો કરવો પડતો હતો. બ્રિજના નિર્માણથી ૨૫થી વધુ ગામોના ગ્રામજનો ઉપરાંત હળવદના નગરજનોને અવરજવરમાં મોટી રાહત મળશે.
આ વિકાસકાર્યથી દર્દીઓને હોસ્પિટલ સુધી પહોંચવામાં, વિદ્યાર્થીઓને શાળા-કોલેજ જવામાં, ખેડૂતોને ખેતપેદાશો બજાર સુધી પહોંચાડવામાં તેમજ ઉદ્યોગો અને વેપાર-ધંધા સાથે સંકળાયેલા વાહનોની અવરજવરમાં સુવિધા વધશે. સ્મશાનભૂમિ ખાતે અંતિમવિધિ માટે જતા પરિવારોને પણ રેલવે ફાટકના કારણે થતી મુશ્કેલીઓમાંથી રાહત મળવાની આશા છે. ભૂમિપૂજન સમારોહમાં સાંસદ ચંદુભાઈ શિહોરા, ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા, હળવદ નગરપાલિકાનાં પ્રમુખ ફોરમબેન વિશાલભાઈ રાવલ, હળવદ તાલુકા પંચાયતનાં પ્રમુખ શીતલબેન એ. કણઝરિયા, ચીફ ઓફિસર તુષાર ઝાલરિયા સહિતના આગેવાનો અને નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.
આ ઉપરાંત તપનભાઈ દવે, દીપકદાસજી મહારાજ, રણછોડભાઈ દલવાડી, જયેશભાઈ પટેલ, રમેશભાઈ કણઝરિયા, પરસોતમભાઈ સાબરીયા, રજનીભાઈ સંઘાણી, નગરપાલિકાના ઉપપ્રમુખ સતિષભાઈ પટેલ, જિલ્લા પંચાયતના ચેરમેન અને સભ્યો તેમજ નગરપાલિકાના વિવિધ સમિતિઓના ચેરમેન સહિતના આગેવાનોએ હાજરી આપી હતી. કાર્યક્રમનું સંચાલન ડૉ. અનિલ પટેલે કર્યું હતું, જ્યારે ભૂમિપૂજનની શાસ્ત્રોક્ત ધાર્મિક વિધિ જયેન્દ્રભાઈ ઉર્ફે લાલાભાઈ જાનીએ સંપન્ન કરાવી હતી.






