એડવાન્સ રકમ વસૂલ્યા બાદ પણ સાત મહિનાથી ગેસ કનેક્શન નહીં: ખોદેલા ખાડા યથાવત રહેતા ચોમાસામાં મુશ્કેલી વધી.
મોરબી તાલુકાના ટીંબડી ગામમાં આવેલી બાલાજી પાર્ક સહિતની વિવિધ સોસાયટીઓમાં ગેસ પાઇપલાઇનની કામગીરી અધૂરી રહી જતાં રહેવાસીઓમાં ભારે રોષ ફેલાયો છે. ગેસ કનેક્શન માટે અગાઉથી નાણાં વસૂલવા છતાં આજદિન સુધી કનેક્શન આપવામાં આવ્યા નથી. બીજી તરફ ખોદેલા ખાડા પણ ખુલ્લા રહેતા ચોમાસામાં અકસ્માતનો ભય સર્જાયો છે.
મોરબી તાલુકાના ટીંબડી ગામમાં આવેલી બાલાજી પાર્ક સહિતની વિવિધ સોસાયટીઓમાં ગુજરાત એનર્જી લિ. દ્વારા જાન્યુઆરી મહિનામાં ગેસ પાઇપલાઇનની કામગીરી શરૂ કરવામાં આવી હતી. તે સમયે રહેવાસીઓ પાસેથી ગેસ કનેક્શન માટે એડવાન્સ રકમ પણ વસૂલવામાં આવી હતી અને બે મહિનામાં કામગીરી પૂર્ણ કરવાની ખાતરી આપવામાં આવી હતી. જોકે, ત્યારબાદ કંપનીએ કામગીરી અધવચ્ચે જ બંધ કરી દીધી હોવાનું સ્થાનિકોનો આક્ષેપ છે.
રહેવાસીઓના જણાવ્યા મુજબ કંપનીના અધિકારીઓને અનેક વખત મૌખિક અને ટેલિફોનિક રજૂઆતો કરવામાં આવી હોવા છતાં દર મહિને માત્ર નવી તારીખો આપવામાં આવી રહી છે. ફેબ્રુઆરીથી લઈને જૂન સુધી સતત આશ્વાસનો આપવામાં આવ્યા છતાં જુલાઈ મહિનો શરૂ થઈ ગયો હોવા છતાં ગેસ પાઇપલાઇનનું કામ પૂર્ણ થયું નથી અને કનેક્શન પણ આપવામાં આવ્યા નથી.
આ ઉપરાંત પાઇપલાઇન માટે ખોદવામાં આવેલા રસ્તાઓ અને ખાડાઓ યથાવત રહેતાં ચોમાસામાં તેમાં પાણી ભરાઈ રહ્યું છે. જેના કારણે સ્થાનિક રહેવાસીઓ અને વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે તેમજ અકસ્માતનો ભય પણ ઊભો થયો છે. રહેવાસીઓએ ચેતવણી આપી છે કે જો તાત્કાલિક કામગીરી પૂર્ણ કરી ગેસ કનેક્શન આપવામાં નહીં આવે અને ખોદેલા ખાડાઓનું સમારકામ નહીં કરવામાં આવે તો તેઓ ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલન કરવા મજબૂર બનશે.






