એર એમ્બ્યુલન્સનો ક્લેમ ફગાવવો વીમા કંપનીને ભારે પડ્યો, ગ્રાહક અદાલતે ચૂકવણીનો આદેશ કર્યો.
મોરબીના ઉદ્યોગપતિને કોરોના દરમિયાન રાજકોટથી ચેન્નાઈ એર એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. વીમા કંપનીએ પોલિસીમાં આવી સુવિધા ન હોવાનું કારણ આપી ક્લેઈમનો મોટો ભાગ ફગાવી દીધો હતો. ત્યારે મોરબી ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઈ મહેતાના માર્ગદર્શન હેઠળ કેસ ગ્રાહક અદાલતમાં દાખલ કરતા જ્યાં કેસની સુનાવણીમાં ગ્રાહક અદાલતે રૂ.૭,૯૬,૯૫૬/- ૬ ટકા વ્યાજ અને રૂ.૫ હજાર ખર્ચ પેટે ચૂકવવાનો આદેશ કર્યો છે.
કોરોના મહામારી દરમિયાન મોરબીના ઉદ્યોગપતિ ભાર્ગવભાઈ જમનાદાસ ફડદુને ગંભીર તબિયતને કારણે રાજકોટની શેલ્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ સ્થિતિ વધુ ગંભીર બનતાં તેઓને એર એમ્બ્યુલન્સ મારફતે ચેન્નાઈ સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. સારવાર બાદ તેમણે વીમા કંપની પાસે ક્લેઈમ રજૂ કર્યો હતો, પરંતુ આઇસીઆઇસીઆઇ લોમ્બાર્ડ જનરલ ઇન્સ્યોરન્સ વીમા કંપનીએ પોલિસીમાં એર એમ્બ્યુલન્સની જોગવાઈ ન હોવાનું કારણ દર્શાવી માત્ર રૂ.૨,૦૩,૦૪૪/- ચૂકવી બાકીની રકમ આપવાનો ઇનકાર કર્યો હતો.
ત્યારબાદ ભાર્ગવભાઈએ મોરબી શહેર-જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઈ મહેતા મારફતે ગ્રાહક અદાલતમાં કેસ દાખલ કર્યો હતો. જેમાં અદાલતે ગ્રાહક નિયમિત પ્રીમિયમ ભરતો હોવાનું અને જીવ બચાવવા એર એમ્બ્યુલન્સનો ઉપયોગ જરૂરી હોવાનું માન્ય રાખી વીમા કંપનીને રૂ.૭,૯૬,૯૫૬/-સાથે તા.૭ નવેમ્બર ૨૦૨૫થી ૬ ટકા વ્યાજ તથા રૂ.૫,૦૦૦/- ખર્ચ બે મહિનામાં ચૂકવવાનો આદેશ કર્યો છે. નિર્ધારિત સમયમર્યાદામાં ચુકવણી નહીં થાય તો ૯ ટકા વ્યાજ ચૂકવવાનું પણ અદાલતે જણાવ્યું છે.
આ સાથે લાલજીભાઈ મહેતાએ ગ્રાહકોને કોઈપણ વીમા પોલિસી લેતા પહેલાં તેની તમામ શરતો ધ્યાનપૂર્વક તપાસવાની અપીલ પણ કરી છે. અને કોઈપણ ગ્રાહકને અન્યાય થાય તો ગ્રાહક સુરક્ષા મંડળનો સંપર્ક કરવા પણ અનુરોધ કરવામાં આવ્યો છે.






