હળવદ તાલુકાના ભલગામડા ગામમાં હળવદ પોલીસે હથિયાર ધારાના કેસમાં કાર્યવાહી કરતાં એક ઇસમ પાસેથી દેશી હાથ બનાવટનો તમંચો કબ્જે કર્યો છે. બાતમીના આધારે હાથ ધરાયેલી રેડ દરમિયાન પોલીસે હથિયાર સાથે આરોપીને ઝડપી પાડી તેની સામે આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.
મળતી માહિતિ અનુસાર, પોલીસ મહાનિરીક્ષક સરહદી રેન્જ ભુજ, મોરબી જિલ્લા પોલીસ અધિક્ષક તથા વાંકાનેર વિભાગના નાયબ પોલીસ અધિક્ષક દ્વારા જિલ્લામાં હથિયાર ધારાના ગુનાઓ શોધી કાઢવા અને આવા તત્વો સામે કડક કાર્યવાહી કરવા સૂચનાઓ આપવામાં આવી હતી. જેના અનુસંધાને હળવદ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર આર.ટી. વ્યાસના માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટાફ દ્વારા હળવદ તાલુકાના ભલગામડા ગામની સીમમાં બાતમીના આધારે રેડ કરવામાં આવી હતી. રેડ દરમિયાન જીતુ અમરશીભાઈ ઉઘરેજા (રહે. ભલગામડા, તા. હળવદ, જી. મોરબી)ની વાડીમાંથી એક દેશી હાથ બનાવટનો તમંચો મળી આવ્યો હતો. પોલીસે આશરે રૂ.1,000 કિંમતનું આ હથિયાર કબ્જે કરી આરોપી સામે આર્મ્સ એક્ટની જોગવાઈઓ હેઠળ ગુનો નોંધ્યો છે. હાલ પોલીસે હથિયાર ક્યાંથી લાવવામાં આવ્યું હતું અને તેનો ઉપયોગ કોઈ ગુનાહિત પ્રવૃત્તિમાં થવાનો હતો કે કેમ તે દિશામાં વધુ તપાસ હાથ ધરી છે.






