વાંકાનેરમાં અકસ્માતોનાં બનાવોમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે વાંકાનેરનાં ભેરડાના બસસ્ટેન્ડ પાસે વધુ એક હિટ એન્ડ રનની ઘટના સામે આવી હતી. જેમાં અજાણ્યા વાહન ચાલકે મોટરસાઇકલને હડફેટે લેતા આધેડનું મોત નીપજ્યું હતું. જયારે વાહન ચાલક પોતાનું વાહન લઈ ફરાર થઈ જતા સમગ્ર મામલે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં મૃતકના પુત્રે ફરિયાદ નોંધાવી છે.
મળતી માહિતી અનુસાર, વાંકાનેરના ભેરડા ખાતે રહેતા બળદેવભાઇ શામજીભાઇ વાઘેલા નામના યુવક દ્વારા વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી કે, ગત તા.૦૯/૦૫/૨૦૨૩ ના રાત્રીના સમયે તેમના પિતા શામજીભાઇ છગનભાઇ વાઘેલા પોતાનું જી.જે.૦૩ ડી.બી. ૬૨૪૮ નંબરનું ડીસ્કવર મોટરસાઇકલ લઈ ભેરડાના બસસ્ટેન્ડ પાસેથી પસાર થઇ રહ્યા હતા. ત્યારે ભેરડાના બસસ્ટેન્ડથી અડધો કીમી. આગળ છગનભાઇ હઠાભાઇ મુંધવાની વાડી પાસે એક અજાણ્યા વાહન ચાલકે પોતાનું વાહન પુરપાટ ઝડપે ચલાવી શામજીભાઇ વાઘેલાના મોટરસાઈકલને હડફેટે લઇ પછાડી દેતા માથામાં તથા શરીરે ગંભીર ઇજાઓ પહોંચાડતા આધેડનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. ત્યારે વાંકાનેર તાલુકા પોલીસે સમગ્ર મામલે ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.