છેડતી, ચેનચાળા અને ગાળાગાળી બાદ ઇકોના ચાલક તથા યુવતી ઉપર હુમલો, જાનથી મારી નાખવાની ધમકી આપી.
મોરબી-વાંકાનેર હાઇવે પર બંધુનગર ગામ નજીક આઈસરના ચાલકે મહિલાઓને લઈને જતી ઈકોનો પીછો કરી ચેનચાળા અને છેડતી કરી હતી. બાદમાં કારખાના ગેટ પાસે ઇકો ચાલકને અને યુવતીને ગાળો આપી માર માર્યો હતો. જે બાદ જાનથી મારી નાખવાની ધમકી આપી આઇસર ચાલક આરોપી સચિનભાઈ અહીરવાડ સ્થળ ઉપરથી ચાલ્યો ગયો હતો.
મળતી માહિતી મુજબ, વાંકાનેર તાલુકાના જોધપર ગામના ઈકો રજી.નં. જીજે-૩૬-એપી-૯૦૬૨ના ચાલક રાજેશભાઈ કેશુભાઈ સોલંકી ઉવ.૪૯ એ મોરબી તાલુકા પોલીસ મથકમાં આરોપી આઇસર રજી.નં. જીજે-૦૩-બીટી-૯૪૨૭ના સચીનભાઈ રાજેશભાઈ અહીરવાડ સામે ફરિયાદ નોંધાવી કે, ગત તા.૧૪/૦૭ના રોજ સરતાનપર સ્થિત રોલસ્ટોન કારખાનામાં મહિલા કર્મચારીઓને મૂકવા જઈ રહ્યા હતા. દરમિયાન બંધુનગર નજીક ઉપરોક્ત આઈસરના ચાલક આરોપીએ સતત હોર્ન મારી, જોખમી રીતે વાહન ચલાવી ચેનચાળા અને છેડતી કરી હતી.
જે બાદ આઇસર ચાલકે ઇકો કારનો પીછો કરી સરતાનપર પહોંચ્યા ત્યાં કારખાનાના ગેટ પાસે આરોપી આઈસર ચાલક સચીનભાઈ રાજેશભાઈ અહીરવાડે ઇકો કારના ચાલક સાથે ગાળાગાળી કરી અને ઇકો કારમાં બેઠેલ યુવતીને ફડાકા માર્યા હતા. ત્યારે છોડાવવા વચ્ચે પડેલ ફરિયાદી ઈકો કારના ચાલકને પણ ઢીકાપાટુનો માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. હાલ મોરબી તાલુકા પોલીસે આરોપી આઇસર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.






