પત્નીની હત્યા કર્યા બાદ પતિ આખી રાત મૃતદેહ પાસે જ બેઠો રહ્યો.
હળવદ તાલુકાના નવા માલણીયાદ ગામની સીમમાં ખેતમજૂરી કરતા દંપતી વચ્ચે થયેલી બોલાચાલી દરમિયાન પતિએ દાતરડાથી પત્નીની હત્યા કરી હતી. ઘટના બાદ આરોપી આખી રાત મૃતદેહ પાસે જ બેઠો રહ્યો હતો. પુત્રની ફરિયાદના આધારે હળવદ પોલીસે હત્યાનો ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
હળવદ તાલુકાના નવા માલણીયાદ ગામની સીમમાં આવેલા જીલુભાઈ ટપુભાઈ રજપૂતની વાડીમાં ખેતમજૂરી કરતા દંપતી વચ્ચે થયેલી સામાન્ય બોલાચાલીએ લોહિયાળ રૂપ ધારણ કર્યું હતું. ઘટનામાં પતિએ દાતરડાથી પત્નીની છાતીમાં ઘા ઝીંકી હત્યા કરી નાખતા વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે.
પોલીસ ફરિયાદ મુજબ, મૂળ છોટાઉદેપુર જીલ્લાના નસવાડી તાલુકાના કડુલી ગામના રહેવાસી માસુડીબેન વરશીભાઈ નાયક ઉવ.૫૫ તેમના પતિ વરશીભાઈ જાડીયાભાઈ નાયક, પુત્ર અને પુત્રવધૂ સાથે નવા માલણીયાદ ગામની સીમમાં આવેલી વાડીમાં રહી ખેતમજૂરી કરતા હતા. ગત ૬ જુલાઈની રાત્રે પતિ-પત્ની વચ્ચે કોઈ કારણસર ઉગ્ર બોલાચાલી થઈ હતી. ઝઘડો ઉગ્ર બનતાં આવેશમાં આવેલા વરશીભાઈએ દાતરડાથી પત્નીની છાતીના ડાબા ભાગે ગંભીર ઘા મારતાં માસુડીબેનનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.
ઘટનાની સૌથી ચોંકાવનારી બાબત એ રહી કે હત્યા કર્યા બાદ આરોપી પતિ ફરાર થયો નહોતો. તે આખી રાત પત્નીના મૃતદેહ પાસે જ બેઠો રહ્યો હતો. બીજા દિવસે સવારે વાડી સંભાળનાર વ્યક્તિ ત્યાં પહોંચતાં સમગ્ર બનાવ અંગે ગામલોકો અને હળવદ પોલીસને જાણ કરવામાં આવતાં પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસે મૃતદેહનો કબજો લઈ પોસ્ટમોર્ટમ માટે હળવદ સરકારી હોસ્પિટલમાં ખસેડ્યો હતો.
મૃતકના પુત્ર રોહિતભાઈ વરશીભાઈ નાયકની ફરિયાદના આધારે હળવદ પોલીસે આરોપી વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલમ ૧૦૩(૧), ૩૫૨ તથા જીપી એક્ટની કલમ હેઠળ ગુનો નોંધ્યો છે. સમગ્ર બનાવ અંગે હળવદ પોલીસ વધુ તપાસ ચલાવી રહી છે.






