હળવદમાં લુખ્ખા તત્વોનો આતંક દિન પ્રતિદિન વધી રહ્યો છે. ત્યારે ગઈકાલે એક મહિલા સહીત બે શખ્સો પર ચાર ઈસમોએ હુમલો કર્યો હતો. જેમાં બંનેને ગંભીર ઈજાઓ પહોંચતા તેમને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
મળતી માહિતી અનુસાર, હળવદનાં ટીકર ગામે રહેતા દિલીપભાઇ હરજીભાઇ ચૌહાણ નામના શખ્સ ગઈકાલે એક મહિલા સાથે પંચાયત ઓફીસ પાસે બેઠો હતો. ત્યારે રાજેશભાઇ બાલાભાઇ એરવાડીયા, મહેશભાઇ ઇશ્વરભાઇ દેથરીયા, અલ્પેશભાઇ હીરજીભાઇ ગોઠી અને હેંમાશુભાઇ શાંતીલાલ એરવાડીયા નામના શખ્સોએ દિલીપભાઇ લાકડી તથા ધોકા વડે હાથ પગ તથા માથાના ભાગે હુમલો કર્યો હતો. તેમજ ઢીકા પાટુનો મુંઢ માર મારી ભુડા બોલી ગાળો આપી તેમજ ફરિયાદી સાથે રહેલ બહેનને લાફા-પાટા મારી ઈજાઓ પહોંચાડતા બંનેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. તેમજ સમગ્ર મામલે દિલીપભાઇ હરજીભાઇ ચૌહાણે ઇ.પી.કો. કલમ ૩૨૩,૫૦૪,૧૧૪ તથા જી.પી એકટ કલમ ૧૩૫ મુજબ હળવદ પોલીસ મથકે ગુનો નોંધાવ્યો છે.