મોરબી તાલુકાના મકનસર ગામે મોટાભાઈને ગાળો આપવાનું કારણ પૂછવા ગયેલા નાનાભાઈ પર આરોપીએ છરી જેવા ધારદાર હથિયારથી હુમલો કર્યો હતો. હાલ ઇજાગ્રસ્તની ફરિયાદને આધારે તાલુકા પોલીસે પ્રેમજીનગર(મકનસર) ગામના જ હુમલાખોર સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પ્રાપ્ત વિગતો મુજબ, મકનસર ગામના પ્રેમજીભાઈ ઉર્ફે સંજયભાઈ અરજણભાઈ પરમાર ઉવ.૩૯એ નોંધાવેલી ફરિયાદ મુજબ, તેમના મોટાભાઈ ધર્મેન્દ્રભાઈને આરોપી જયેશભાઈ વેલજીભાઈ શેખવા રહે. પ્રેમજીનગર(મકનસર) વાળો ગાળો આપતા હોવાની જાણ થતાં ફરિયાદી આ બાબતે કારણ પૂછવા ગયા હતા. ત્યારે આ દરમિયાન આરોપી જયેશભાઇ ઉશ્કેરાઈ જઈ છરી જેવા ધારદાર હથિયારથી ફરિયાદીના ડાબા ખભા-બગલના ભાગે બે ઘા ઝીંક્યા હતા, દરમિયાન વચ્ચે પડેલા ગોરધનભાઈ કોળીને પણ હાથમાં ધારદાર હથિયારથી ઈજા પહોંચાડી હતી. હાલ બનાવ અંગે પોલીસે આરોપી જયેશભાઈ વેલજીભાઈ શેખવા સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.






