હજુ છેતરપિંડીનો આંકડો ઊંચો જાય તે પહેલાં કૌભાંડનો પર્દાફાશ.
મોરબીમાં જમીન સોદાના બહાને બોગસ ખેડૂત ખાતેદાર ઉભો કરી ખોટા દસ્તાવેજોના આધારે રૂ.૧.૧૧ લાખની છેતરપિંડી કરવાના મામલે પોલીસે ૬ આરોપીઓ સામે ગુનો નોંધ્યો છે. આરોપીઓએ પૂર્વયોજિત કાવતરું રચી ખોટા આધારકાર્ડ, પાનકાર્ડ અને અન્ય દસ્તાવેજો બનાવી વેપારીને વિશ્વાસમાં લઈ સુથી તરીકેની રકમ પડાવી લીધી હતી. વકીલ દ્વારા દસ્તાવેજોની તપાસ દરમિયાન ભાંડો ફૂટતા મોટી છેતરપિંડી અટકી ગઈ હતી.
પ્રાપ્ત વિગતો અનુસાર, મોરબીના વેપારી જિકરભાઈ રજાકભાઈ ડોસાણી ઉવ.૫૦ રહે. કાલિકા પ્લોટ-૨ મોરબી વાળાએ સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં આરોપી (૧)દયારામભાઈ પુંજાભાઈ ડાભી રહે.ગણેશ હોંડા શો-રૂમ પાછળ ભક્તિનગર સર્કલ શનાળા રોડ મોરબી, (૨)મુકેશભાઈ નારણભાઈ કંજારિયા રહે. કૈલાશ પાર્ક સોસાયટી ભગવતી હોલ પાછળ મોરબી-કંડલા બાયપાસ રોડ મોરબી, (૩)અલ્તાફભાઈ વલીભાઈ કોરડિયા રહે. કરાચી કોલોની દંતેશ્વર દરવાજા હળવદ મૂળ ગામ ટીકર રણ તા.માળીયા(મી), (૪)બળદેવભાઈ જાદવજીભાઈ વરસડા રહે. સોલડી ગામ પાણીના ટાંકા સામે તા. ધાંગધ્રા જી. સુરેન્દ્રનગર, (૫)કાંતીલાલ છગનભાઈ કાવર રહે.બૈસાબગઢ પટેલવાસ તા. ધાંગધ્રા જી.સુરેન્દ્રનગર તથા (૬)કાળુભાઈ લખમણભાઈ ગોલતર રહે.બૈસાબગઢ ભરવાડવાસ તા. ધાંગધ્રા જી.સુરેન્દ્રનગર વાળા વિરુદ્ધ નોંધાવેલ ફરિયાદના આધારે પોલીસે બોગસ ખેડૂત ઉભો કરી જમીન સોદામાં છેતરપિંડી કરનાર ઉપરોક્ત ૬ આરોપીઓ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલમો હેઠળ ગુનો નોંધ્યો છે.
ફરિયાદ મુજબ આરોપીઓએ મોરબી તાલુકાના વજેપર ગામની સર્વે નં. ૩૧૮ પૈકી ૧ ની જમીન વેચવાના બહાને બોગસ ખેડૂત ‘રામજીભાઈ કાળાભાઈ દલવાડી’ ઉભો કર્યો હતો. હકીકતમાં આ વ્યક્તિ આરોપી બળદેવભાઈ જાદવજીભાઈ વરસડા હોવાનું બહાર આવ્યું હતું. આરોપીઓએ ખોટા આધારકાર્ડ, પાનકાર્ડ અને ચૂંટણીકાર્ડ બનાવી જમીન સોદો નક્કી કરી ફરીયાદી પાસેથી રૂ.૧,૧૧,૦૦૦/-સુથીના રૂપિયામાં મેળવ્યા હતા. ત્યારે ફરિયાદીના વકીલ દ્વારા દસ્તાવેજોની ચકાસણી કરતા સમગ્ર કૌભાંડ બહાર આવ્યું હતું, જેના કારણે મોટી છેતરપિંડી અટકી હતી. બાદમાં આરોપીઓ પૈસા પરત આપવા બહાના કરતા હોવાથી આખરે કંટાળી ફરિયાદીએ ઉપરોક્ત તમામ આરોપીઓ વિરુદ્ધ મોરબી સીટી એ ડિવિઝનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસ દ્વારા સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.









