મોરબીમાં પૈસાની લેતી-દેતી બાબતે વધુ એક યુવક પર જીવલેણ હુમલો થયાની ઘટના સામે આવી છે. જેમાં મિત્ર સાથે પૈસાની લેતી-દેતી બાબતે ઈસમ પાસે વાતચીત કરવા ગયેલ યુવક પર છરી વડે હુમલો થયો હોવાની ઘટના સામે આવી છે.
મળતી માહિતી અનુસાર, મોરબીનાં વીશીપરા મેઇન રોડ પર આવેલ હનુમાનજીના મંદિરની બાજુમાં રહેતો સુનીલભાઇ મનુભાઇ રાવા નામનો યુવક તેના મિત્ર સાથે મનોજભાઇ સોલંકી (રહે.જનકપુરી સો.સા. મોરબી-૨) પાસે પૈસાની લેવડ દેવડની વાતચીત કરવા જતા આરોપી મનોજભાઇએ એકદમ ઉશ્કેરાઇને ફરિયાદીને ગાળો તથા જાનથી મારી નાખવાની ધમકી આપેલ જે બાબતે ફરીયાદીએ આમ કરવાની ના પાડતા આરોપીએ છરીથી ફરીયાદી પર હુમલો કર્યો હતો. ત્યારે ફરિયાદીને ગંભીર ઈજાઓ થતા તેને લોહીલુહાણ હાલતમાં સારવારમાં ખસેડવામાં આવ્યો હતો. તેમજ સમગ્ર મામલે મોરબી સીટી બી ડિવિઝન પોલીસે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.