મોરબી શહેરમાં દેશી દારૂના વેચાણ સહિત પ્રોહિબિશનના ગુનાઓમાં સંડોવાયેલા શખ્સ સામે મોરબી સીટી બી ડિવિઝન પોલીસે કડક કાર્યવાહી કરી છે. પોલીસ દ્વારા આરોપીને હદપારી કરી મોરબી જિલ્લાની બહાર મોકલવામાં આવ્યો છે.
પોલીસના જણાવ્યા મુજબ દિનેશલાલ બાબુલાલ ચૌહાણ, રહે. મોરબી-2, બોધનગર, મકતાનપરા, નઝરબાગ રેલવે સ્ટેશન સામે, સામે પ્રોહિબિશનના ગુનાઓ નોંધાયેલા હોવાથી તેની વિરુદ્ધ હદપારીની દરખાસ્ત તૈયાર કરવામાં આવી હતી.
મોરબી શહેર તથા આસપાસના વિસ્તારોમાં પ્રોહિબિશનની પ્રવૃત્તિઓ પર અંકુશ લાવવા પોલીસ દ્વારા કરવામાં આવેલી દરખાસ્તના આધારે સક્ષમ અધિકારી અને સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ દ્વારા દિનેશલાલ ચૌહાણને મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ શહેર, રાજકોટ રૂરલ, કચ્છ-ભુજ અને જામનગર જિલ્લામાંથી 6 મહિના માટે હદપાર કરવાનો હુકમ કરવામાં આવ્યો છે.
આ કામગીરી મોરબી રેન્જના પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડિયા, મોરબી જિલ્લા પોલીસ અધિક્ષક મુકેશકુમાર પટેલ તથા નાયબ પોલીસ અધિક્ષકના માર્ગદર્શન હેઠળ મોરબી સીટી બી ડિવિઝનના પોલીસ ઇન્સ્પેક્ટર જે.ડી. સરવૈયા તથા પોલીસ કર્મચારીઓ દ્વારા કરવામાં આવી હતી.






