એમ્બ્યુલન્સને પણ રસ્તો ન મળે તેવી સ્થિતિ સર્જાતા તંત્ર સામે ઉઠ્યા ગંભીર સવાલો, ચૂંટાયેલા નવનિયુક્ત કોર્પોરેટરો પણ મુક-પ્રેક્ષક
મોરબીના સાવસર પ્લોટ સ્થિત હોસ્પિટલ વિસ્તારમાં બેફામ અને આડેધડ પાર્કિંગના કારણે દર્દીઓ તથા તેમના સ્વજનો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. અનેક રજૂઆતો અને મીડિયા અહેવાલો છતાં પોલીસ અને વહીવટી તંત્ર દ્વારા કોઈ અસરકારક કાર્યવાહી ન થતાં લોકોમાં રોષ ફેલાયો છે. એમ્બ્યુલન્સ જેવા ઇમરજન્સી વાહનો પણ અટવાઈ જાય તેવી પરિસ્થિતિ સર્જાતા તંત્રની કામગીરી સામે સવાલો ઊભા થયા છે. ત્યારે હાલ ચૂંટાઈને આવેલ નવનિયુક્ત કોર્પોરેટરો પણ મુક પ્રેક્ષકોની ભૂમિકામાં રહેતા પ્રજામાં રોષ ફેલાયો છે.
મોરબી શહેરના સૌથી વ્યસ્ત અને સંવેદનશીલ ગણાતા સાવસર પ્લોટ હોસ્પિટલ વિસ્તારમાં દિવસભર આડેધડ વાહન પાર્કિંગની સમસ્યા ગંભીર સ્વરૂપ ધારણ કરી રહી છે. હોસ્પિટલોમાં સારવાર માટે આવતા દર્દીઓ, વૃદ્ધો તેમજ તેમના પરિવારજનોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. હાલ સ્થિતિ એવી બની ગઈ છે કે કેટલીક ગલીઓમાં બાઇક પસાર કરવા પણ મુશ્કેલ બને છે, ત્યારે એમ્બ્યુલન્સ જેવા ઇમરજન્સી વાહનો સમયસર હોસ્પિટલ સુધી પહોંચી શકે તેવા પ્રશ્ન ઉભા થયા છે. અનેક વખત લેખિત અને મૌખિક રજૂઆતો કરવામાં આવી હોવા છતાં તેમજ મીડિયા અને ન્યૂઝપેપરમાં અહેવાલો પ્રસિદ્ધ થયા છતાં પોલીસ કે વહીવટી તંત્રનું “પેટનું પાણી પણ હલતું નથી.” લોકોમાં એવી લાગણી વ્યાપી રહી છે કે જાણે ઇમરજન્સી જેવી ગંભીર પરિસ્થિતિને પણ હવે સામાન્ય બાબત સમજી લેવામાં આવી રહી હોય.
હોસ્પિટલોની આસપાસ મંજૂરી મુજબ પાર્કિંગ વ્યવસ્થા હોવા છતાં અનેક જગ્યાએ પાર્કિંગ સ્થળોમાં વ્યવસાયિક મેડિકલ સ્ટોર, લેબોરેટરી માટે ઉપયોગ કરવામાં આવી રહ્યો હોવાના આક્ષેપો ઉઠી રહ્યા છે. સૌથી ચોંકાવનારી બાબત તો એ છે કે કેટલાક સ્થળોએ દર્દીઓના વાહનોને હોસ્પિટલના પાર્કિંગમાં પાર્ક કરવાની પણ મનાઈ કરવામાં આવે છે, જેના કારણે લોકોને રસ્તા પર જ વાહનો મૂકવા મજબૂર બનવું પડે છે. બીજી તરફ મોરબી ટ્રાફિક પોલીસ પાસે હવે ટોઈંગ ક્રેન જેવી સુવિધા ઉપલબ્ધ હોવા છતાં નિયમભંગ કરતા વાહનો સામે સખત કાર્યવાહી કેમ કરવામાં આવતી નથી તેવા સવાલ પણ ઉઠી રહ્યા છે. લોકોમાં ચર્ચા છે કે શું આ ક્રેનનો ઉપયોગ માત્ર દેખાવ પૂરતો જ રહેશે કે પછી ખરેખર લોકોની સુખાકારી અને ટ્રાફિક વ્યવસ્થાને સુધારવા માટે કરવામાં આવશે?
આ ઉપરાંત વિશેષમાં જણાવવાનું કે, તાજેતરમાં ચૂંટાઈ આવેલા નવનિયુક્ત કોર્પોરેટરો પ્રજાના પ્રશ્નોને પ્રાથમિકતા આપશે કે પછી તેઓ પણ પોલીસ અને વહીવટી તંત્રની જેમ મુક પ્રેક્ષકોની ભૂમિકામાં રહેશે ? તે પણ હવે ચર્ચાનો વિષય બન્યો છે. હોસ્પિટલ વિસ્તાર જેવી અત્યંત સંવેદનશીલ જગ્યાએ ટ્રાફિક અને પાર્કિંગની સમસ્યા હલ કરવા તાત્કાલિક પગલાં ભરવામાં નહીં આવે તો ભવિષ્યમાં કોઈ ગંભીર દુર્ઘટના સર્જાય તેવી પણ ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી છે.






