હાજરી મુદ્દે મનદુઃખ રાખી ઉશ્કેરાયો, કાર્યપાલક ઇજનેર સહિત સ્ટાફને ગાળો આપી ફાઈબર રોડથી હુમલો કરવાનો પ્રયાસ.
હળવદના માનસર સ્થિત ૪૦૦ કે.વી. જેટકો યાર્ડમાં લાઇન ઇન્સ્પેક્ટરે હાજરી મુદ્દે ઉશ્કેરાઈ નાયબ ઈજનેરને થપ્પડ મારી, જાનથી મારી નાખવાની ધમકી આપી અને કાર્યપાલક ઈજનેરને અભદ્ર ભાષા સાથે ગાળો ભાંડી ફાયબરનો રોડ લઈ મારવાનો પ્રયાસ કર્યા હોવાના બનાવે જેટકોમાં ચકચાર મચી જવા પામી છે. હાલ કાર્યપાલક ઈજનેર અને નાયબ ઇજનેરની ફરિયાદને આધારે હળવદ પોલીસે આરોપી સામે વિવિધ કલમો હેઠળ ગુન્હો નોંધી વધુ તપાસની તજવીજ હાથ ધરી છે.
હળવદ તાલુકાના માનસર સ્થિત ૪૦૦ કે.વી. જેટકો યાર્ડમાં કર્મચારી વચ્ચેનો વિવાદ હિંસક રૂપ ધારણ કર્યાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે. આ મામલે નાયબ ઈજનેર તરીકે ફરજ બજાવતા નીતીનભાઈ જયસુખભાઈ લોરીયા ઉવ.૩૩ હાલ રહે. સરા રોડ હરિનગર સોસાયટી હળવદ મૂળ ઉમા ટાઉનશીપ મોરબી વાળાએ લાઇન ઇન્સ્પેક્ટર હસમુખભાઈ કાનજીભાઈ ચાવડા રહે. વડવાળી શેરી ધ્રાંગધ્રા જી.સુરેન્દ્રનગર વાળા સામે પોલીસ ફરિયાદ નોંધાવી કે, ગત તા.૧૬ એપ્રિલના રોજ સવારે નાયબ ઈજનેર માનસર ૪૦૦ કે.વી. યાર્ડમાં પોતાની ફરજ ઉપર હાજર હતા તે દરમિયાન લાઇન ઇન્સ્પેક્ટર આરોપી હસમુખભાઈ ચાવડા ત્યાં આવ્યા અને પોતાની બે દિવસની રજા દરમિયાન મસ્ટરમાં હાજરી સામે લીટા કોણે માર્યા તે બાબતે પૂછપરછ કરી હતી. આ અંગે જુનિયર ઈજનેર દ્વારા નાયબ ઈજનેર નીતીનભાઈનું નામ આપતા તેઓ સીધા જ નાયબ ઈજનેર પાસે પહોંચી બોલાચાલી કરવા લાગ્યા. ત્યારે ફરિયાદી નીતીનભાઈએ ઓફિસની પ્રક્રિયા મુજબ ગેરહાજરી નોંધાવ્યાની વાત કરતા હસમુખભાઈ ઉશ્કેરાઈ ગયા હતા. તેમણે અભદ્ર ભાષામાં ગાળો આપીને ઝપાઝપી શરૂ કરી અને નાયબ ઈજનેરને ગાલ પર થપ્પડ મારી અને જાનથી મારી નાખવાની ધમકીઓ આપી હતી.
આ દરમિયાન ઘટના અંગે જાણ થતાં કાર્યપાલક ઈજનેર સ્થળ પર પહોંચ્યા હતા. તેમને પણ આરોપીએ અભદ્ર ગાળો આપી અને ત્યાં પડેલા અર્થિંગ ફાઈબર રોડનો દંડો લઈને હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો. સ્ટાફના અન્ય સભ્યોએ વચ્ચે પડી આરોપીને પકડી રાખ્યો હતો. ત્યારે આ સમગ્ર બનાવને પગલે પોલીસમાં ફરિયાદ નોંધાતા હળવદ પોલીસે આરોપી સામે ભારતીય ન્યાય સંહિતા કલમો હેઠળ ગુનો નોંધી, વધુ તપાસ હાથ ધરી છે.









