૯ લાખની મુદ્દલ સામે ૭.૦૨ લાખ વ્યાજ ચૂકવ્યા છતાં ધમકીઓ, વ્યાજખોર સાજીદ કાજેડીયા સામે ગુન્હો નોંધાયો.
મોરબીના કારખાનેદારે ટ્રકના હપ્તાની ચુકવણી માટે મિત્ર સર્કલમાંથી હાથ ઉછીનાં લીધેલ નાણાની ચુકવણી માટે વ્યાજખોર પાસેથી ચામડાતોડ ૬૦ ટકા માસિક વ્યાજે લીધેલા રૂપિયા મામલે સમયસર વ્યાજ ચૂકવવા છતાં મૂળ મુદ્દલ ચૂકવવા દબાણ અને ધમકીઓને લઈને કારખાનેદારે આત્મહત્યાનો પ્રયાસ કર્યો હોવાનો બનાવ સામે આવ્યો છે. હાલ પોલીસે વ્યાજખોર આરોપી સામે ભારતીય ન્યાય સંહિતા તથા ગુજરાત નાણા ઘીરધાર અધિનિયમ હેઠળ ગુન્હો નોંધ્યો છે.
પ્રાપ્ત વિગતો મુજબ, મોરબીના પ્રકાશભાઈ પ્રવિણભાઈ ભોરણિયા ઉવ. ૩૨ જેઓ બેલા ગામ નજીક કારખાનું ચલાવી વેઓરી ધંધો કરે છે, તેમણે માળીયા(મીં) તાલુકાના કાજેરડા ગામના સાજીદભાઈ જાનમામદભાઈ કાજેડીયા સામે પોલીસ ફરિયાદ નોંધાવી જાહેર કર્યું કે, પ્રકાશભાઈએ લગભગ ત્રણ વર્ષ પહેલાં પોતાના ટ્રકના હપ્તા ભરવા માટે ઉછીના રૂપિયા લીધા હતા. જે રૂપિયાની ચુકવણી માટે તા.૦૫/૦૩/૨૦૨૬ના રોજ આરોપી પાસેથી ૧૦ લાખ રૂપિયા ૬૦ ટકા માસિક વ્યાજે લીધા હતા, ત્યારે તા.૧૩/૦૪/૨૦૨૬ સુધીમાં અંદાજે રૂ.૭,૦૨,૦૦૦/- જેટલું વ્યાજ ચૂકવી દીધું હતું. છતાં આરોપી સતત મુદ્દલ રકમની માંગણી સાથે ધમકીઓ આપતો હતો. જેથી આર્થિક અને માનસિક દબાણના કારણે ફરીયાદીએ તા.૧૫/૦૪/૨૦૨૬ના રોજ પોતાના કારખાને ઝેર પી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. ત્યારબાદ તેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં હાલ તેમની સારવાર ચાલુ છે.
આ બનાવ અંગે પોલીસે આરોપી વિરુદ્ધ બીએનએસ તથા ગુજરાત મની લેન્ડર્સ એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.









