મોરબી જિલ્લામાં ગેરકાયદેસર ખનીજ ખનન અને ખનીજના વહન સામે પોલીસ દ્વારા સતત કાર્યવાહી કરવામાં આવી રહી છે. કચ્છ બોર્ડર રેન્જના આઈજી ચિરાગ કોરડીયાની સૂચના અને મોરબી જિલ્લા પોલીસ વડા મુકેશ પટેલના માર્ગદર્શન હેઠળ લોકલ ક્રાઇમ બ્રાન્ચ (એલસીબી) મોરબીની ટીમે વાંકાનેર તાલુકામાં કાર્યવાહી કરી રોયલ્ટી પાસ વિના સિલીકા રેતીનું વહન કરતા ચાર ડમ્પર ઝડપી પાડી રૂ. 1,00,79,000નો મુદામાલ જપ્ત કર્યો છે.
પ્રાપ્ત વિગતો અનુસાર એલસીબી ટીમે વાંકાનેર તાલુકાના લુણસર રોડ તેમજ ગારીડા-ગુંદાખડા રોડ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. દરમિયાન ચાર ડમ્પરમાં મોટી માત્રામાં સિલીકા રેતી ભરેલી હોવાનું જણાતા વાહનો રોકી તપાસ કરવામાં આવી હતી.
તપાસ દરમિયાન વાહનચાલકો પાસે રેતીના પરિવહન માટે જરૂરી રોયલ્ટી પાસ કે અન્ય આધાર-પુરાવા ન મળતા ચારેય વાહનોને એમ.વી. એક્ટની કલમ 207 હેઠળ ડિટેઇન કરી સીઝ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ વાહન માલિકો સામે જરૂરી કાર્યવાહી માટે મામલો મદદનીશ ભૂસ્તરશાસ્ત્રી, ખાણ-ખનીજ વિભાગ, મોરબીને મોકલી આપવામાં આવ્યો છે. ખાણ-ખનીજ વિભાગ દ્વારા દંડાત્મક કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
પોલીસે ઝડપી પાડેલા ચાર ડમ્પરની અંદાજિત કિંમત રૂ. 1 કરોડ અને તેમાં ભરેલી આશરે 158 ટન સિલીકા રેતીની કિંમત રૂ. 79 હજાર હોવાનું સામે આવ્યું છે. આમ કુલ રૂ. 1,00,79,000નો મુદામાલ જપ્ત કરવામાં આવ્યો છે.
આ કામગીરીમાં ઇન્ચાર્જ પીઆઈ એસ.પી. જાડેજા, પીએસઆઈ બી.ડી. ભટ્ટ, પીએસઆઈ વી.જી. માલાણી તેમજ એલસીબી અને પેરોલ-ફર્લો સ્કવોડના સ્ટાફે મહત્વની ભૂમિકા ભજવી હતી. ગેરકાયદેસર ખનીજ પ્રવૃત્તિઓ સામે પોલીસની આ કાર્યવાહીથી ખનીજ માફિયાઓમાં ફફડાટ વ્યાપી ગયો છે.






