મોરબીના ગેસ્ટહાઉસ રોડ તથા કૂબેરનાથ મેઈન રોડ અને તેની આસપાસના રહેણાંક વિસ્તારોમાં અનધિકૃત રીતે ચાલતા માંસ-મટનના વેચાણ સામે સ્થાનિક રહીશોએ મોરબી મહાનગરપાલિકાના કમિશનરને લેખિત ફરિયાદ કરી તાત્કાલિક પગલાં ભરવાની માંગ કરી છે.
સ્થાનિક નાગરિકો દ્વારા કરવામાં આવેલી અરજીમાં જણાવવામાં આવ્યું છે કે, આ વિસ્તારમાં રહેતા શાકાહારી પરિવારના સભ્યો, શાળાઓના વિદ્યાર્થીઓ અને શિક્ષકો જ્યારે પણ ગેસ્ટહાઉસ રોડ અને કૂબેરનાથ મેઈન રોડ પરથી પસાર થાય છે, ત્યારે જાહેર રસ્તા પર જ પશુઓની કતલ અને માંસના પ્રદર્શનના કારણે ભારે હાલાકી ભોગવવી પડે છે. અરજદારોના જણાવ્યા મુજબ, જાહેર માર્ગો પર પશુઓનું મારણ કરી તેનું ખુલ્લેઆમ વેચાણ કરવામાં આવે છે, જેના લીધે લોહી અને પશુઓના હાડકા જેવી ગંદકી જાહેર ગટરોમાં ભળે છે, જે અસ્વચ્છતા ફેલાવે છે.
વધુમાં, સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે કે, આ પ્રવૃત્તિ ‘ધી ગુજરાત એનીમલ પ્રિઝરવેશન એક્ટ ૧૯૫૪’ ની કલમ ૫, ૬ તથા અન્ય નિયમો અને શોપ લાઈસન્સની શરતોનું સીધું ઉલ્લંઘન છે. કોઈપણ પ્રકારની અધિકૃત મંજૂરી વગર ચાલતી આ પ્રવૃત્તિ દરમિયાન કરવામાં આવતા પોકારોથી પસાર થતી જનતાને અસહ્ય માનસિક ત્રાસ વેઠવો પડે છે.ખાસ કરીને, જ્યાં આ પ્રવૃત્તિઓ ચાલે છે તે વિસ્તારમાં રાજાશાહી સમયના ધાર્મિક મંદિરો આવેલા છે અને અહીં મોટી સંખ્યામાં હિન્દુ વસ્તી વસવાટ કરે છે.
આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, વિસ્તારના જાગૃત નાગરિકોએ કમિશનરશ્રીને લેખિતમાં માંગણી કરી છે કે, કાયદાની રૂએ આ ગેરકાયદેસર રીતે ચાલતી માંસ-મટનની તમામ હાટડીઓને તાત્કાલિક અસરથી બંધ કરાવવામાં આવે તેવી માંગ કરી છે.






