હળવદ રેલવે સ્ટેશન નજીક વાયુવેગે આવતી ટ્રેન હેઠળ પ્રેમી યુગલે પડતું મૂકી મોત મીઠું કરી લીધાનો બનાવ સામે આવ્યો છે. આ ઘટનાની જાણ થતા લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા.
હળવદ રેલવે સ્ટેશન પાસે આજે બપોરે 2 વાગ્યા આસપાસ મુન્દ્રાથી હળવદ આવેલ માલગાડી હેઠળ પ્રેમી યુગલે ઝંપલાવ્યું હતું.સમાજ એક નહીં થવા દે એવા ડર થી પ્રેમી યુગલે સજોડે આત્મહત્યા કરી હતી. આ ઘટનામાં માલગાડીની હડફેટે ચડી જતા ધ્રાંગધ્રા તાલુકાના ચુલી ગામના યુવાન વિશાલભાઈ દિનેશભાઇ પલાનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું જ્યારે ગોપાલગઢ ગામની યુવતી નિકિતા ઠાકોર (ઉ.વ.18)ને ગંભીર ઇજા થવા પામી હતી. જેને તાત્કાલિક સારવાર અર્થે 108 મારફતે હળવદ સીવીલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી જ્યાં સારવાર મળે એ પહેલાં જ તેનું મોત નીપજ્યું હતું.પ્રેમી યુગલ પાસેથી ઘડિયાળ,બેગ,500 રૂપિયા અને આધારકાર્ડ સહિત ની વસ્તુઓ મળી આવી હતી.
આ ઘટનાની જાણ થતાં આસપાસના લોકો ઘટનાસ્થળે દોડી ગયા હતા અને રેલવે પોલીસ અને હળવદ પોલીસ દોડી જઈને વધુ તપાસ હાથ ધરી હતી.