અંજાર પોલીસે કેબલ ચોરી કરતી ગેંગનો પર્દાફાશ કરી મુખ્ય આરોપી જાકબ આમદ સમાને ઝડપી પાડ્યો છે. આરોપીની પૂછપરછમાં અંજાર, દુધઈ અને પધ્ધર પોલીસ મથક હદ વિસ્તારમાં છેલ્લા એક વર્ષ દરમિયાન વાડી વિસ્તારોમાં થયેલી બોરના કેબલ ચોરીના કુલ 38 જેટલા ગુનાઓનો ભેદ ઉકેલાયો છે. પોલીસે રૂ.4.01 લાખનો મુદ્દામાલ કબ્જે કરી વધુ ત્રણ આરોપીઓની ધરપકડ માટે તપાસ તેજ કરી છે.
મળતી માહિતી અનુસાર, અંજાર પોલીસે છેલ્લા 15 દિવસથી કેબલ ચોરી રોકવા માટે અલગ અલગ ચાર ટીમો બનાવી રાત્રી પેટ્રોલિંગ શરૂ કર્યું હતું. દરમિયાન મળેલી બાતમીના આધારે રતનાલ-મોડસર રોડ નજીક વોચ ગોઠવી જાકબ આમદ સમાને બાઈક સાથે ઝડપી પાડવામાં આવ્યો હતો. તેની પાસેથી કેબલ વાયરનું કવર અને કટર મળી આવતા પૂછપરછમાં તેણે સાગરિતો રજાક જુસા સમા, સીધીક સમા અને સકુર સમા સાથે મળીને અંજાર, દુધઈ તથા પધ્ધર વિસ્તારની અનેક વાડીઓમાં બોરના કેબલ કાપી ચોરી કર્યાની કબૂલાત આપી હતી. ચોરી કરેલો કોપર અંજારના ભંગાર વેપારીઓ મામદ ઈશાક કુંભાર અને અબ્દુલ ઉર્ફે બચ્ચન કુંભારને વેચાતો હોવાનું બહાર આવ્યું હતું. પોલીસે 425 કિલો કોપર વાયર, એક મોટરસાયકલ અને એક શેવરોલેટ સ્પાર્ક કાર મળી કુલ રૂ.4.01 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. ઉલ્લેખનીય છે કે, આરોપીઓ રાત્રીના સમયે વાહનોમાં આવી અવાવરૂ જગ્યાએ પાર્ક કરી કટર વડે કેબલ કાપતા, તેને સળગાવી કોપર કાઢી ભંગારમાં વેચી આર્થિક લાભ મેળવતા હતા. આરોપીઓએ છેલ્લા એક વર્ષમાં અંજાર, રતનાલ, સાપેડા, મોરગર, લોહારિયા, ખંભરા, નાગલપર સહિતના વિસ્તારોમાં 38થી વધુ કેબલ ચોરીઓ કબૂલ કરી છે. હાલ મુખ્ય આરોપી સહિત ત્રણને ઝડપી લેવાયા છે જ્યારે અન્ય ફરાર આરોપીઓની શોધખોળ અને વધુ તપાસ ચાલુ છે.






