ખેડૂતોને અગાઉ કરતાં ૨.૫થી ૩ ગણું વધુ વળતર મળશે: કાયમી ઉકેલ માટે જીલ્લા સ્તરે કમિટીની રચના થશે.
મોરબીમાં વીજલાઈનના વળતર મુદ્દે ચાલી રહેલા ખેડૂત આંદોલન બાદ રાજ્ય સરકારે વળતરમાં વધારો સહિતના મહત્વપૂર્ણ નિર્ણયો જાહેર કર્યા છે. આ નિર્ણયને આવકારી મંત્રી કાંતિલાલ અમૃતિયાએ હળવી શૈલીમાં કહ્યું કે, “અત્યાર સુધી હું સરકારને કહેતો હતો કે આમાં મારું વજન ઘટી ગયું છે, હવે સરકારે કહ્યું કે તમારું વજન વધી જશે.” તેમણે ખેડૂતોને અગાઉ કરતાં ૨.૫થી ૩ ગણું વધુ વળતર મળશે તેવી ખાતરી પણ આપી હતી.
મોરબી જીલ્લામાં વીજલાઈન અને વીજ ટાવરના વળતર મુદ્દે છેલ્લા કેટલાક દિવસોથી ચાલી રહેલા ખેડૂત આંદોલન બાદ રાજ્ય સરકારે વળતરની નવી નીતિ જાહેર કરી છે. આ નિર્ણયને આવકારતા રાજ્યના મંત્રી કાંતિલાલ અમૃતિયાએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, ઊર્જા મંત્રી ઋષિકેશ પટેલ તથા કૃષિ મંત્રી જીતુ વાઘાણીનો આભાર વ્યક્ત કર્યો હતો. મંત્રી કાંતિલાલે જણાવ્યું હતું કે છેલ્લા બે મહિનાથી ખેડૂતો વીજપોલના કામ માટે એડવાન્સ રકમ ન મળવી, ઓછું વળતર મળવું અને વિવિધ પ્રકારની હેરાનગતિ અંગે રજૂઆતો કરી રહ્યા હતા. ખાસ કરીને મોરબી જીલ્લામાં અગાઉ મળતું વળતર ખૂબ જ ઓછું હોવાથી ખેડૂતોમાં નારાજગી હતી અને તેમની માંગણી યોગ્ય હતી.
તેમણે જણાવ્યું કે સરકારે છેલ્લા દોઢ મહિનાથી સમગ્ર મુદ્દાનો અભ્યાસ અને ચર્ચા-વિચારણા કરીને ખેડૂતોના હિતમાં કાયમી ઉકેલ લાવવાનો નિર્ણય કર્યો છે. હવે ખેડૂતોને અગાઉની સરખામણીએ અંદાજે ૨.૫થી ૩ ગણું વધુ વળતર મળશે. જમીનનું વળતર જંત્રીના આધારે નહીં પરંતુ બજારભાવને આધારે નક્કી કરવામાં આવશે, જેના કારણે ખેડૂતોને યોગ્ય ન્યાય મળશે. વધુમાં જણાવ્યું કે જીલ્લા કક્ષાએ કલેક્ટર, ખેડૂત પ્રતિનિધિ અને કંપનીના પ્રતિનિધિઓની કમિટી બનાવવામાં આવશે, જે જમીનના બજારભાવના આધારે વળતર નક્કી કરશે. હળવી શૈલીમાં તેમણે કહ્યું કે, “હું સરકારને કહેતો હતો કે આમાં મારું વજન ઘટી ગયું છે. હવે સરકારે કહ્યું છે કે તમારું વજન વધી જશે.” તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે સરકારના આ નિર્ણયથી ખેડૂતોની લાંબા સમયથી ચાલતી સમસ્યાનો કાયમી ઉકેલ આવશે.






