અંજાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયેલી મોટરસાયકલ ચોરીના ગુનાનો ભેદ ઉકેલી અંજાર પોલીસે એક આરોપીને ચોરાયેલી બાઈક સાથે ઝડપી પાડ્યો છે. પોલીસે આરોપી પાસેથી રૂ.60 હજાર કિંમતની મોટરસાયકલ કબ્જે કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી અનુસાર, અંજારમાં પેટ્રોલિંગ દરમિયાન ચિત્રકૂટ સર્કલ નજીક પોલીસને ખાનગી બાતમી મળી હતી કે, એક શખ્સ દેવળીયાનાકા તરફથી ચોરી કરેલી મોટરસાયકલ લઈને ચિત્રકૂટ સર્કલ તરફ આવી રહ્યો છે. બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી સંદિગ્ધ વાહનચાલકને અટકાવ્યો હતો. પૂછપરછ દરમિયાન મોટરસાયકલના માલિકીના આધાર પુરાવા માંગતા આરોપી કોઈ સંતોષકારક જવાબ આપી શક્યો નહોતો. વધુ સઘન પૂછપરછમાં તેણે ચિત્રકૂટ સર્કલ પાસે આવેલા કાર્ગો હોન્ડાના શો રૂમમાંથી મોટરસાયકલ ચોરી કર્યાની કબૂલાત આપી હતી. પોલીસે આરોપી નિરજ અમૃતલાલ રાસ્તે (ચૌધરી) (રહે અરીહંતનગર, મેઘપર કુંભારડી, તાલુકા અંજાર)ને ઝડપી પાડી તેની પાસેથી જીજે-39-કે-3016 નંબરની આશરે રૂ.60 હજાર કિંમતની મોટરસાયકલ કબ્જે કરી છે. આ મામલે અંજાર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુનાનો ભેદ ઉકેલી આરોપીની અટકાયત કરી વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.






