મોરબી સીટી બી ડિવિઝન પોલીસે પૂર્વ બાતમીના આધારે નેશનલ હાઇવે ઉપર નિર્મલ જ્યોત પેટ્રોલપંપ નજીક અલ્ટો કાર અટકાવી તપાસ કરતા તેમાંથી વિદેશી દારૂની નાની-મોટી ૨૬૨ બોટલ મળી આવી હતી, જેથી પોલીસે કાર ચાલક આરોપીની અટક કરી દારૂ અને કાર સહિત કુલ રૂ.૨,૯૭,૧૧૮/-નો મુદ્દામાલ કબજે કર્યો હતો.
મોરબી સીટી બી ડિવિઝન પોલીસ ટીમ નાઈટ પેટ્રોલિંગમાં હોય ત્યારે મોરબીના લાલપર તરફથી અલ્ટો કારમાં બળદેવ ઉર્ફે બાલો કોળી દારૂનો જથ્થો લઈને આવતો હોવાની બાતમી મળી હતી. જેના આધારે પોલીસે નેશનલ હાઇવે ઉપર નિર્મલ જ્યોત પેટ્રોલપંપ નજીક વોચ ગોઠવી હતી. તે દરમિયાન જીજે-૧૩-એનએન-૦૩૪૬ નંબરની અલ્ટો કાર ત્યાંથી પસાર થતા તેને અટકાવી, કારની તલાશી લેતા તેમાંથી અલગ-અલગ બ્રાન્ડ અને ક્ષમતાની વિદેશી દારૂની કુલ ૨૬૨ નંગ બોટલ કિ.રૂ.૪૭,૧૧૮/- મળી આવી હતી.
આ સાથે પોલીસે કાર ચાલક આરોપી બળદેવભાઈ ઉર્ફે બાલો નાગરભાઈ સાકરીયા ઉવ.૩૦ રહે. લાલપર ત્રીજા ગેટ પાસે તા.જી. મોરબી મૂળ રહે. પીપડી તા. જસદણ જી. રાજકોટ વાળાની અટકાયત કરી હતી. પોલીસે વિદેશી દારૂ તથા રૂ.૨,૫૦,૦૦૦/-ની અલ્ટો કાર સહિત કુલ રૂ.૨,૯૭,૧૧૮/- નો મુદ્દામાલ કબજે કરી આરોપી વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.






