સિલ્વર પાર્ક વિસ્તારમાં બનેલી ઘટના: ઇજાગ્રસ્ત માસાને જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ.
મોરબી-૨ ઘુંટુ રોડ ઉપર આવેલ સિલ્વર પાર્ક સોસાયટીમાં બની ઘટનામાં એક્ટીવા આપવાની ના પાડતા ભાણેજે પોતાના માસા ઉપર લાકડાના ધોકા વડે હુમલો કરી માસાને ઇજાગ્રસ્ત કર્યા હોવાની ફરિયાદ નોંધાઈ છે. હુમલામાં ભોગ બનનારને માથા સહિત શરીરના અન્ય ભાગોમાં ઇજાઓ પહોંચી હતી. બી ડિવિઝન પોલીસે આરોપી વિરુદ્ધ બીએનએસ અને જીપી એક્ટ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
મોરબી-૨ માં શોભેશ્વર રોડ ઉપર શાંતિવન સોસાયટીમાં રહેતા નરેન્દ્રભાઈ કરૂણાશંકર મહેતાએ નોંધાવેલી ફરિયાદ મુજબ, તેઓ ગત ૧૦ જૂનના રોજ ધુંટું રોડ પર આવેલી સિલ્વર પાર્ક સોસાયટીમાં પોતાના પાટલા-સાસુના ઘરે કેરીની પેટી લેવા ગયા હતા. ત્યારે ત્યાં હાજર તેમના પાટલા-સાસુના દીકરા આરોપી સુનીલ ઉર્ફે બાવલો કાંતિભાઈ પાડલિયાએ એક્ટીવાની ચાવી માગી હતી. જોકે નરેન્દ્રભાઈએ એક્ટીવા આપવાની ના પાડતા આરોપી સુનિલ ઉર્ફે બાવલો ઉશ્કેરાઈ ગયો હતો અને ગાળો બોલવા લાગ્યો હતો. ત્યારબાદ આરોપીએ લાકડાના ધોકા વડે હુમલો કરી નરેન્દ્રભાઈને માથામાં ઉપરાંત પડખા, ખભા અને હાથની આંગળીઓમાં પણ ઇજાઓ પહોંચાડી હતી. આ દરમિયાન બૂમાબૂમ થતાં આસપાસના લોકો દોડી આવ્યા હતા. જે બાદ ફરિયાદીની પત્ની પણ ત્યાં પહોંચી જતા આરોપી વધુ ઉશ્કેરાઈ ગયો હતો અને ફરીયાદી દંપતીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ઇજાગ્રસ્તને બાદમાં સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. ત્યારે બનાવ અંગે નરેન્દ્રભાઈ મહેતાની ફરિયાદના આધારે પોલીસે આરોપી સુનીલ ઉર્ફે બાવલો કાંતિભાઈ પાડલિયા રહે. સિલ્વર પાર્ક સોસાયટી ધુંટું રોડ મોરબી-૨ વાળા વિરુદ્ધ ગુનો નોંધી આરોપીની અટકાયત કરવા તજવીજ શરૂ કરી છે.






