મોરબીમાંથી ગુમ થયેલી ૧૦ વર્ષની કિશોરીને મોરબી સીટી બી ડિવિઝન પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન સોર્સની મદદથી અમદાવાદના મણિનગર રેલવે સ્ટેશન પાસેથી શોધી કાઢી હતી. પોલીસે બાળકીને સુરક્ષિત રીતે માતા-પિતા સાથે મિલન કરાવતા પરિવારજનોમાં ખુશી છવાઈ ગઈ હતી.
મોરબી પોલીસ અધિક્ષક મુકેશકુમાર પટેલના માર્ગદર્શન હેઠળ ૦ થી ૧૮ વર્ષ સુધીના ગુમ થયેલા બાળકોને શોધી કાઢવા માટે વિશેષ ડ્રાઇવ હાથ ધરવામાં આવી છે. તે અંતર્ગત મોરબી સીટી બી ડિવિઝન પોલીસ દ્વારા ગુમ થયેલી એક કિશોરીને ગણતરીના દિવસોમાં શોધી કાઢવામાં સફળતા મળી છે. મળતી માહિતી મુજબ, મૂળ બિહાર રાજ્યના સિતામઢી જીલ્લાના કહચરીપુર ગામના રહેવાસી અને હાલ મોરબીના નજરબાગ રેલવે સ્ટેશન આગળ વિન્ટેજ કારખાના પાસે ભાડાના મકાનમાં રહેતા પરિવારની ૧૦ વર્ષની બાળકી તા.૨૨ મેના રોજ સવારે પોતાના ઘર પાસેથી કોઈને જાણ કર્યા વગર નીકળી ગઈ હતી. આ અંગે મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં બી.એન.એસ. કલમ ૧૩૭ મુજબ ગુનો નોંધાયો હતો.
મોરબી સીટી બી ડિવિઝન પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર જે.ડી. સરવૈયાના માર્ગદર્શન હેઠળ અલગ અલગ ટીમો બનાવી તપાસ હાથ ધરવામાં આવી હતી. ત્યારે સર્વેલન્સ ટીમ દ્વારા મોરબીથી ભોપાલ સુધીના વિવિધ રેલવે સ્ટેશનો તથા શહેર વિસ્તારમાં આવેલા અંદાજે ૮૦ જેટલા સીસીટીવી કેમેરા ચેક કરવામાં આવ્યા હતા. તપાસ દરમિયાન ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન સોર્સના આધારે બાળકી અમદાવાદના મણિનગર રેલવે સ્ટેશન પાસે હોવાની માહિતી મળતા તરત જ પોલીસ ટીમને અમદાવાદ મોકલવામાં આવી હતી. પોલીસે બાળકીનો સુરક્ષિત કબ્જો મેળવી મોરબી લાવી તેના માતા-પિતાને સોંપી હતી. બાળકી સુરક્ષિત મળી આવતા પરિવારજનોમાં રાહતની લાગણી ફેલાઈ હતી.






