અણીયારી ટોલનાકા પાસે વોચ રાખી બોલેરો પીકઅપ વાહન ઝડપી લીધું, બે શખ્સો સામે ગુનો નોંધાવ્યો.
કચ્છથી માળીયા થઈ હળવદના માર્ગે અમદાવાદ તરફ લઈ જવાતા ૧૦ પાડાને અણીયારી ટોલનાકા નજીક મોરબીના ગૌરક્ષકોએ પકડી પાડ્યા હતા. પાડાઓને ક્રૂરતાપૂર્વક બાંધવામાં આવ્યા હોવાનો અને પરિવહન માટે જરૂરી પરવાનગી ન હોવાનું સામે આવતાં પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસે વાહન કબજે કરી પશુઓને છોડાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
મળતી માહિતી મુજબ, કચ્છ તરફથી માળીયા થઈ હળવદના માર્ગે અમદાવાદ તરફ એક બોલેરો પીકઅપ રજી.નં. જીજે-૧૨-ઈટી-૩૨૭૮ વાહનમાં પાડાઓને કતલખાને લઈ જવામાં આવતા હોવાની બાતમી વિશ્વ હિન્દુ પરિષદ-બજરંગ દળ મોરબી, શિવસેના સહિતના ગૌરક્ષક સંગઠનોને મળી હતી. આથી ગૌરક્ષકોએ અણીયારી ટોલનાકા પાસે વોચ ગોઠવી હતી. જ્યાંથી બાતમી મુજબ બોલેરો વાહન પસાર થતાં તેનો પીછો કરી હળવદના દેવળીયા નજીક રોકવામાં આવ્યું હતું. વાહનની તપાસ દરમિયાન તેમાં નાના-મોટા કુલ ૧૦ પાડા ક્રૂરતાપૂર્વક બાંધેલી હાલતમાં મળી આવ્યા હતા. પ્રાથમિક પૂછપરછમાં પશુઓને અમદાવાદ તરફ લઈ જવાતા હોવાની અને જરૂરી પરવાનગી ન હોવાની વિગતો સામે આવી હોવાનું જણાવાયું હતું.
ત્યારબાદ પોલીસને જાણ કરવામાં આવતાં વાહન કબજે કરી પશુઓને છોડાવવામાં આવ્યા હતા અને બેલેરો વાહન ચાલક સહિત બંને શખ્સો ડાડા મામદઅલી જત અને સુલતાન હૈદરખાન જત ને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ કામગીરીમાં વિશ્વ હિન્દુ પરિષદ-બજરંગ દળ મોરબી, મોરબી શિવસેના, હળવદ ગૌરક્ષક, અખિલ વિશ્વ ગૌસંવર્ધન પરિષદ, હિન્દુ યુવા વાહિની, ચોટીલા અને લીંબડીના ગૌરક્ષકો તેમજ રાષ્ટ્રીય સનાતન સેના મોરબીના કાર્યકરો જોડાયા હતા તેમ યાદીમાં જણાવવામાં આવ્યું છે.






