મોરબી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેના અધ્યક્ષસ્થાને વર્ષ 2026-27 માટેના ‘વાર્ષિક ઋણ આયોજન (ACP)’ નું વિમોચન કરવામાં આવ્યું હતું. કૃષિ, MSME, શિક્ષણ, હાઉસિંગ સહિતના પ્રાથમિકતા ક્ષેત્રોમાં વધુ ધિરાણ ઉપલબ્ધ કરાવી જિલ્લાના સર્વાંગી વિકાસને વેગ આપવાનો નિર્ધાર વ્યક્ત કરાયો હતો. કલેક્ટરે બેંકોને સરકારની જનકલ્યાણકારી યોજનાઓના લાભાર્થીઓ સુધી સરળતાથી લોન પહોંચાડવા અનુરોધ કર્યો હતો.
મોરબી કલેક્ટર કચેરી ખાતે યોજાયેલ બેઠકમાં જિલ્લા વહીવટી તંત્ર અને બેંકિંગ ક્ષેત્રના અધિકારીઓની ઉપસ્થિતિમાં વર્ષ 2026-27 માટેના Annual Credit Plan (ACP) નું સત્તાવાર લોન્ચિંગ કરવામાં આવ્યું હતું. બેઠક દરમિયાન કૃષિ, MSME, શિક્ષણ, હાઉસિંગ અને અન્ય અગ્રતા ધરાવતા ક્ષેત્રોમાં વધુમાં વધુ ધિરાણ ફાળવવા મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી. કલેક્ટર સ્વપ્નિલ ખરેએ જણાવ્યું હતું કે, સરકારની સ્વરોજગારલક્ષી અને જનકલ્યાણકારી યોજનાઓના લાભાર્થીઓને બેંકો દ્વારા સરળતાથી લોન મળી રહે તે માટે સકારાત્મક અભિગમ અપનાવવો જરૂરી છે. જિલ્લા વિકાસ અધિકારી વિદ્યાસાગરએ ગ્રામ્ય અર્થતંત્રને મજબૂત બનાવવા મહિલા સશક્તિકરણ અને સ્વરોજગારી પ્રવૃત્તિઓમાં બેંકોની સક્રિય ભૂમિકાને મહત્વપૂર્ણ ગણાવી હતી. બેઠકમાં DRDA ના નિયામક એન.એસ. ગઢવી, લીડ બેંક મેનેજર સાકીર છીપા, NABARD અધિકારી આદિત્ય નિકમ સહિત વિવિધ બેંકોના અધિકારીઓ અને સરકારી વિભાગોના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.






