ફાયર સેફ્ટી સર્ટિફિકેટ ચેકિંગ, એનઓસી વિનાની ઇમારતોને નોટિસ અને આગ સુરક્ષા અંગે માર્ગદર્શન.
મોરબી મહાનગરપાલિકાની અગ્નિશમન શાખાએ તા.૯થી ૧૬ જૂન દરમિયાન બે હોસ્પિટલના ૧૭ અને એક પેટ્રોલ પંપના ૮ કર્મચારીઓને ફાયર પ્રિવેન્શનની તાલીમ આપી હતી. સાથે જ ફાયર સેફ્ટી સર્ટિફિકેટ ચેકિંગ, એનઓસી વિનાની ઇમારતોને નોટિસ અને સુરક્ષા અંગે માર્ગદર્શન આપવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.
મોરબી મહાનગરપાલિકાની અગ્નિશમન શાખા દ્વારા આગ નિવારણ અને જનજાગૃતિના ભાગરૂપે તા. ૦૯/૦૬થી ૧૬/૦૬ દરમિયાન વિવિધ સ્થળોએ ફાયર સેફ્ટી સંબંધિત કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ દરમિયાન બે હોસ્પિટલના ૧૭ સ્ટાફ સભ્યો તેમજ એક પેટ્રોલ પંપના ૮ કર્મચારીઓને ફાયર પ્રિવેન્શન અને અગ્નિશામક સાધનોના ઉપયોગ અંગે તાલીમ આપવામાં આવી હતી. આ ઉપરાંત સમાજવાડીઓ, કોમ્પ્લેક્સ અને ઔદ્યોગિક એકમોના ફાયર સેફ્ટી સર્ટિફિકેટની ચકાસણી કરવામાં આવી હતી. ફાયર એનઓસી ન ધરાવતી ઇમારતોને નોટિસ પાઠવી જરૂરી સૂચનો અને માર્ગદર્શિકા પણ આપવામાં આવી હતી. અગાઉ અપાયેલી નોટિસોના પરિણામે ૧૯૮ કોમ્પ્લેક્સ અને ૩૮ સમાજવાડીઓમાં ફાયર સેફ્ટી સિસ્ટમ સ્થાપિત કરવામાં આવી છે અથવા તેની કામગીરી શરૂ કરવામાં આવી હોવાનું તંત્રએ જણાવ્યું છે.
આ સમયગાળા દરમિયાન ફાયર સેફ્ટી અપ્રુવલ માટેની ૮ અરજીઓ પ્રાપ્ત થઈ હતી, જેને આગળની કાર્યવાહી માટે આર.એફ.ઓ. કચેરી ખાતે મોકલવામાં આવી છે. આ દરમિયાન મોરબીમાં બે રેસ્ક્યુ કોલ તથા સાત આગની ઘટનાઓમાં ફાયર બ્રિગેડના જવાનોએ પીપીઈ સહિતના આધુનિક સાધનો સાથે કામગીરી કરી આગ પર કાબૂ મેળવ્યો હતો. અગ્નિશમન શાખાએ નાગરિકોને આગ જેવી કોઈ પણ ઇમરજન્સી સ્થિતિમાં મોરબી ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસના ૧૦૧, ૧૧૨ અથવા ૦૨૮૨૨ ૨૩૦૦૫૦ નંબર પર સંપર્ક કરવા અપીલ કરી છે.






