રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા રાજ્યભરમાં સ્વચ્છતા અભિયાન અંગે આપવામાં આવેલી સૂચનાઓના અનુસંધાને મોરબી મહાનગરપાલિકા એક્શન મોડમાં આવી છે.
શહેરને સ્વચ્છ અને સુંદર બનાવવાના સંકલ્પ સાથે, કમિશ્નર અને નાયબ કમિશ્નરના માર્ગદર્શન હેઠળ સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ (SWM) શાખાના તમામ કર્મચારીઓ અને અધિકારીઓ સાથે એક મહત્વપૂર્ણ સમીક્ષા બેઠક યોજવામાં આવી હતી.
આ બેઠકનો મુખ્ય ઉદ્દેશ્ય હાલની સફાઈ કામગીરીને વધુ અસરકારક અને સુવ્યવસ્થિત બનાવવાનો હતો.બેઠકમાં ઉપસ્થિત ઉચ્ચ અધિકારીઓ દ્વારા કર્મચારીઓને કામગીરીમાં નિયમિતતા જાળવવા તેમજ દૈનિક ધોરણે થતી સફાઈ કામગીરીના અહેવાલ (રિપોર્ટ) સમયસર અને યોગ્ય રીતે રજૂ કરવા અંગે કડક સૂચનાઓ આપવામાં આવી હતી.
વધુમાં, ‘સ્વચ્છ મોરબી, સુંદર મોરબી’ ના વિઝનને સાકાર કરવા માટે તમામ કર્મચારીઓને પોતાની જવાબદારીઓ નિષ્ઠાપૂર્વક અને પ્રામાણિકતાથી નિભાવવા માટે વિશેષ માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. બેઠકના અંતે, ‘સ્વચ્છતા એ સૌની જવાબદારી’ ના સૂત્રને ચરિતાર્થ કરવા માટે સૌએ સંકલ્પ લીધો હતો.






