મોરબી શહેરના વોર્ડ નંબર-1 વિસ્તારમાં આવેલ નવલખી રોડ પરના મારુતિનગર, કૃષ્ણનગર અને ન્યૂ ગાયત્રીનગર નજીક આવેલા વોકળાની સફાઈ કામગીરી આજે યુદ્ધના ધોરણે શરૂ કરવામાં આવી છે. ચોમાસા દરમિયાન વોકળામાં ગંદકી અને અવરોધોને કારણે વરસાદી પાણી ભરાઈ જતાં સ્થાનિક રહેવાસીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડતો હતો.
બે દિવસ અગાઉ મોરબીના મેયર ઉત્તમભાઈ સુરાણી, ડેપ્યુટી મેયર ચિરાગભાઈ રાણપરા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયંતીભાઈ દામજીભાઈ પડસુંબિયા, શાસક પક્ષના નેતા અર્પિતાબા જાડેજા, દંડક જયેશભાઈ દેસાઈ તેમજ વોર્ડ નંબર-1ના કોર્પોરેટર જયદીપભાઈ મહેતા અને રમાબેન રૂપાલા સહિત વોર્ડ નંબર-7ના કોર્પોરેટરો ભાવિનભાઈ ધેલાણી, મમતાબેન ઠાક્કર અને જલ્પાબેન સોનગ્રાએ સ્થળની મુલાકાત લીધી હતી.
આ મુલાકાત દરમિયાન સોસાયટીના આગેવાનો પ્રશાંતભાઈ મહેતા, વિરલભાઈ દોશી, ભરતસિંહ પરમાર અને ઉગાભાઈ રાઠોડ સહિતના સ્થાનિકોએ વોકળાના કારણે સર્જાતી સમસ્યાઓ અંગે રજૂઆત કરી હતી. સ્થાનિકોએ ચોમાસા પહેલાં જ વોકળાની સફાઈ કરાવવા માંગણી કરી હતી જેથી વરસાદી પાણીના નિકાલમાં કોઈ અડચણ ન સર્જાય અને રહેવાસીઓને મુશ્કેલીનો સામનો ન કરવો પડે.
સ્થાનિકોની રજૂઆત અને આગેવાનોની માંગણીને ધ્યાનમાં રાખી તંત્ર દ્વારા તાત્કાલિક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જેના અનુસંધાને આજે વોકળાની સફાઈ કામગીરી શરૂ કરવામાં આવી છે. આ કામગીરી પૂર્ણ થયા બાદ ચોમાસા દરમિયાન પાણી ભરાવાની સમસ્યામાં રાહત મળશે તેવી સ્થાનિકોમાં આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.






