પાકા નવા મકાન માટે રૂ.૪ લાખની સહાય ચાર હપ્તામાં મળશે, લાભાર્થીઓને ડિમાન્ડ સર્વેમાં જોડાવા અપીલ.
મોરબી મહાનગરપાલિકાએ પ્રધાનમંત્રી આવાસ યોજના-૨.૦ (શહેરી) હેઠળ બેનિફિશિયરી લેડ કન્સ્ટ્રક્શન ઘટક અંતર્ગત પાત્ર લાભાર્થીઓને ઓનલાઈન ડિમાન્ડ સર્વેમાં નોંધણી કરાવવા અનુરોધ કર્યો છે. યોજનામાં કેન્દ્ર સરકાર તરફથી રૂ.૧.૫૦ લાખ અને રાજ્ય સરકાર તરફથી રૂ.૨.૫૦ લાખ મળી કુલ રૂ. ૪ લાખની સહાય ચાર હપ્તામાં આપવામાં આવશે.
સરકાર દ્વારા અમલમાં મૂકાયેલી પ્રધાનમંત્રી આવાસ યોજના-૨.૦ (શહેરી) હેઠળ BLC ઘટક અંતર્ગત નેશનલ બિલ્ડિંગ કોડ મુજબ ૩૦ થી ૪૫ ચોરસ મીટર કાર્પેટ વિસ્તાર ધરાવતું ઓછામાં ઓછા બે રૂમ, રસોડું તથા શૌચાલય-બાથરૂમની સુવિધા સાથેનું પાકું નવું મકાન બાંધી શકાશે. યોજનામાં પ્રતિ આવાસ કેન્દ્ર સરકાર તરફથી રૂ.૧.૫૦ લાખ અને રાજ્ય સરકાર તરફથી રૂ.૨.૫૦ લાખ મળીને કુલ રૂ.૪ લાખની સહાય ચાર હપ્તામાં આપવામાં આવશે.
મોરબી મહાનગરપાલિકા હદમાં રહેતા અને પોતાની માલિકીનું કાચું, અર્ધકાચું, જર્જરિત મકાન અથવા ખુલ્લો પ્લોટ ધરાવતા તેમજ વાર્ષિક કૌટુંબિક આવક રૂ.૩ લાખ સુધી ધરાવતા અને અગાઉ કોઈપણ આવાસ યોજનાનો લાભ ન લીધેલા નાગરિકોને ઓનલાઈન ડિમાન્ડ સર્વેમાં નોંધણી કરાવવા અનુરોધ કરવામાં આવ્યો છે.






