ઓટાળા ગામના પુલ પાસે ટ્રાવેલ્સની બસે ટક્કર મારતા વૃદ્ધને માથામાં ગંભીર ઈજા: રાજકોટની સ્ટર્લિંગ હોસ્પિટલમાં સારવાર હેઠળ.
મળતી વિગતો મુજબ, ટંકારા તાલુકાના ઓટાળા ગામે ગત તા.૨૫/૧૧ના રોજ સવારે ગામના પુલ પાસે ટંકારા-લતીપર હાઈવે પર અકસ્માત સર્જાયો હતો. જેમાં ઓટાળા ગામના વિપુલભાઈ શાંતીલાલ લાઠીયાના પિતા પોતાની ચાની કેબીનથી સામે આવેલી ગ્રાન્ડ રૂટ કંપની તરફ ચાલીને જઈ રહ્યા હતા, ત્યારે ખાનગી ટ્રાવેલ્સની બસ રજી.નં. જીજે-૩૬-ટી-૯૩૧૨ ના ચાલકે બસ પૂરઝડપે અને બેદરકારીથી ચલાવી તેમને હડફેટે લીધા હતા. અકસ્મતમાં વૃદ્ધને માથાના ભાગે ગંભીર ઈજા તેમજ શરીરે ઇજાઓ પહોંચી હતી. તેમને પ્રથમ ટંકારા હોસ્પિટલમાં સારવાર અપાયા બાદ વધુ સારવાર માટે રાજકોટની સ્ટર્લિંગ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં હાલ તેમની સારવાર ચાલુ છે. હાલ ઇજાગ્રસ્તના પુત્ર વિપુલભાઈની ફરિયાદને આધારે ટંકારા પોલીસે આરોપી બસના ચાલક વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા તેમજ મોટર વ્હીકલ એક્ટની કલમો હેઠળ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.






