રૂ.૧૦ હજારમાં ખરીદેલું કાર્ડ લઈને ફરતા નવ ધોરણ પાસ શખ્સ સામે ગુનો નોંધાયો.
મોરબી એ ડિવિઝન પોલીસે ‘પ્રેસ’ લખેલી બ્રેઝા કારમાં ફરતા એક શખ્સને ઝડપી પાડીને તેની પાસેથી રૂ.૧૦ હજારમાં ખરીદેલું બોગસ પ્રેસકાર્ડ કબ્જે કર્યું છે. તપાસમાં આરોપી પાસે કોઈ માન્ય પત્રકારત્વ લાયકાત કે દસ્તાવેજ ન હોવાનું સામે આવ્યું છે. આ સાથે ડીવાયએસપી જે.એમ.આલ દ્વારા મીડિયાના માધ્યમથી આવા બોગસ પ્રેસકાર્ડ લઈને ફરતા લોકોને કડક ચેતવણી આપવામાં આવી છે.
મોરબી શહેરમાં પત્રકારના નામે બોગસ પ્રેસકાર્ડ બનાવીને ફરતા તત્વો સામે પોલીસે કડક કાર્યવાહી શરૂ કરી છે. મોરબી એ ડિવિઝન પોલીસ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન ‘પ્રેસ’ લખેલી બ્રેઝા કારને અટકાવી તપાસ હાથ ધરી હતી. જેમાં કાર ચાલક અસલમ હુસેનભાઈ શેખની પૂછપરછ દરમિયાન તેની પાસેથી ‘પ્રેસ ઓફ ઇન્ડિયા’નું પ્રેસકાર્ડ મળી આવ્યું હતું. પોલીસે પત્રકારત્વના અભ્યાસ, માહિતી ખાતાના પુરાવા તેમજ રજીસ્ટ્રેશન અંગે પૂછપરછ કરતા આરોપી પાસે કોઈ માન્ય દસ્તાવેજો કે લાયકાત ન હોવાનું સામે આવ્યું હતું. આરોપી માત્ર નવ ધોરણ પાસ હોવાનું પણ ખુલ્યું હતું. પ્રાથમિક તપાસમાં આરોપી અસલમ શેખે કબૂલાત આપી હતી કે તેણે આ પ્રેસકાર્ડ આરોપી રાધેશ બુદ્ધભટ્ટી નામના વ્યક્તિ પાસેથી રૂ.૧૦ હજાર આપી બનાવડાવ્યું હતું. આ કાર્ડનો ઉપયોગ ટોલ ટેક્સ બચાવવા તેમજ વાહન ચેકિંગ દરમિયાન પોલીસ કાર્યવાહીથી બચવા માટે કરતો હતો.
આ સમગ્ર મામલે મોરબી એ ડિવિઝન પોલીસ મથકે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. બીજી તરફ ડીવાયએસપી જે.એમ.આલે મીડિયાના માધ્યમથી કડક ચેતવણી આપતા જણાવ્યું હતું કે, જે લોકોએ કોઈપણ માધ્યમથી આવા વેચાતા પ્રેસકાર્ડ મેળવ્યા હોય તેઓ તાત્કાલિક એ ડિવિઝન પોલીસમાં પોતાના કાર્ડ જમા કરાવી દે. અન્યથા પોલીસ આવા લોકો સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરશે. ડીવાયએસપીએ વધુમાં જણાવ્યું હતું કે મીડિયાના નામનો દુરુપયોગ કરી વાહનો પર ‘પ્રેસ’ લખાવનાર અને બોગસ પ્રેસ આઈડી કાર્ડ સાથે ફરતા કોઈપણ ઇસમોને છોડવામાં નહિ આવે.






