‘PRESS’ લખેલા વાહનોનું સઘન ચેકિંગ કરવા રજૂઆત, પૈસા આપી ગેરકાયદેસર પ્રેસકાર્ડ મેળવતા તત્વો સામે ઝુંબેશ ચલાવવા માન્ય પત્રકારોની અપીલ.
મોરબી શહેર અને જીલ્લામાં ગેરકાયદેસર રીતે પ્રેસકાર્ડ મેળવી બોગસ પત્રકારત્વ કરતા તત્વો સામે કાર્યવાહી કરવા જીલ્લા કલેક્ટર અને જીલ્લા પોલીસવડાને માન્ય પત્રકારો દ્વારા રજૂઆત કરવામાં આવી છે. ‘PRESS’ લખેલા વાહનોનું ચેકિંગ, પ્રેસકાર્ડની ખરાઈ અને બ્લેકમેલિંગ કરતા તત્વો સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે.
મોરબી જીલ્લાના માન્ય પત્રકારો દ્વારા જીલ્લા કલેક્ટર અને જીલ્લા પોલીસવડાને રજૂઆત કરી મોરબી શહેર તથા જીલ્લામાં વધતા બોગસ પત્રકારોના દૂષણ સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે. રજૂઆતમાં જણાવાયું છે કે છેલ્લા ઘણા સમયથી કોઈપણ પ્રકારના પત્રકારત્વના અભ્યાસ કે અનુભવ વગરના લોકો પૈસા આપી ખોટા પ્રેસકાર્ડ મેળવી રહ્યા છે અને યુટ્યુબ, ફેસબુક તથા ઈન્સ્ટાગ્રામ જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ન્યૂઝ ચેનલ શરૂ કરી લોકો સાથે બ્લેકમેલિંગ અને તોડપાણી કરી રહ્યા છે.
રજુઆતમાં તાજેતરની એક ઘટનાનો ઉલ્લેખ કરતા જણાવાયું હતું કે પોલીસ દ્વારા વાહન ચેકિંગ દરમિયાન ૧૦ હજાર રૂપિયામાં પ્રેસકાર્ડ ખરીદનાર અને પોલીસ પર રોફ જમાવનાર બોગસ પત્રકાર સામે તેમજ તેને કાર્ડ વેચનાર શખ્સ સામે ગુનો નોંધાયો હતો. આ ઘટના સમગ્ર ગેરરીતિનું જીવંત ઉદાહરણ હોવાનું જણાવાયું છે. માન્ય પત્રકારોએ રજૂઆતમાં જણાવ્યું હતું કે આવા તત્વો પોતાના વાહનો પર મોટા અક્ષરે ‘PRESS’ લખાવી સમાજમાં દાદાગીરી કરે છે અને નિર્દોષ લોકોને ડરાવી ધમકાવી પૈસા ઉઘરાવે છે. જેના કારણે સાચા અને માન્ય પત્રકારોની છબી ખરડાઈ રહી છે. આ સાથે પત્રકારોએ માંગ કરી છે કે જીલ્લામાં ‘PRESS’ લખેલા તમામ ટુ-વ્હીલર અને ફોર-વ્હીલર વાહનોનું સઘન ચેકિંગ હાથ ધરવામાં આવે, પ્રેસકાર્ડની ખરાઈ સાથે ધારકોની શૈક્ષણિક લાયકાતની તપાસ કરવામાં આવે તેમજ ગેરકાયદેસર રીતે પ્રેસકાર્ડ વેચતા નેટવર્ક સામે ઉંડાણપૂર્વક તપાસ કરી કડક કાર્યવાહી કરવામાં આવી છે. આ ઉપરાંત બ્લેકમેલિંગ અને તોડપાણી કરતા બોગસ પત્રકારો સામે બીએનએસની આકરી કલમો હેઠળ ગુના નોંધી સખત પગલાં લેવા અપીલ કરવામાં આવી છે.






