ટંકારાના એન્જોય લાઇફ અને વાંકાનેરના ઓસમ થાઇ સ્પામાં તપાસ દરમિયાન વર્કરોની માહિતી પોલીસને ન આપ્યાનું સામે આવ્યું.
મોરબી જીલ્લામાં સ્પા અને મસાજ પાર્લરોમાં કામ કરતા કર્મચારીઓની વિગતો પોલીસ સ્ટેશનમાં નોંધાવવા તેમજ જરૂરી સુરક્ષા વ્યવસ્થા જાળવવા અંગે જીલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. આ જાહેરનામાની અમલવારી દરમિયાન ટંકારાના એન્જોય લાઇફ સ્પા અને વાંકાનેરના ઓસમ થાઇ સ્પામાં નિયમોનું પાલન ન થતું હોવાનું સામે આવ્યું હતું. બંને સ્પાની સંચાલિકાઓ સામે પોલીસે બીએનએસ કલમ ૨૨૩ હેઠળ ગુનો નોંધી નોટિસ આપી કાર્યવાહી કરવામાં આવી છે.
જેમાં પ્રથમ દરોડાની મળતી વિગતો અનુસાર, ટંકારા પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન લજાઈ-હડમતીયા રોડ પર ગોકુલ હોટલ સામે આવેલા એન્જોય લાઇફ સ્પામાં તપાસ કરવામાં આવી હતી. જેમાં સંચાલિકા દિવ્યાબેન વિક્રમસિંગ પંજાબી ઉવ.૩૩ હાલ રહે.લજાઈ-હડમતીયા રોડ ટંકારા મૂળ રહે.વસ્ત્રાલ અમદાવાદ વાળા દ્વારા સ્પામાં કામ કરતા પરપ્રાંતીય વર્કરોની માહિતી મોરબી એસ્યુર્ડ એપમાં અપલોડ કરવામાં આવી ન હોવાનું તેમજ નજીકના પોલીસ સ્ટેશનમાં પણ માહિતી આપવામાં આવી ન હોવાનું સામે આવ્યું હતું.
જ્યારે બીજા દરોડામાં વાંકાનેર તાલુકાના ફુવા ચોકડી પાસે રવિરાજ હોટલની બાજુમાં આવેલા ઓસમ થાઇ સ્પામાં મોરબી એસઓજી પોલીસની ટીમે તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન સ્પા સંચાલિકા હકુબેન રાજેશભાઈ ભવાણીયા ઉવ.૩૨ રહે.મકનસર ભક્તિનગર-૨, મોરબી મૂળ રહે.થાનગઢ વાળા દ્વારા સ્પામાં કામ કરતા બે વર્કરોના બાયોડેટા ફોર્મ પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવ્યા ન હોવાનું સામે આવ્યું હતું. આ ઉપરાંત જાહેરનામા મુજબ સીસીટીવી કેમેરાના રેકોર્ડિંગની જાળવણીમાં પણ નિયમોનું પાલન ન થયું હોવા અંગે તેણી સામે પણ કાર્યવાહી કરવામાં આવી છે.
હાલ ઉપરોક્ત બંને સ્પા સંચાલિકાઓ દ્વારા જીલ્લા મેજિસ્ટ્રેટના જાહેરનામાનો ભંગ કરવામાં આવતા મોરબી પોલીસે બીએનએસ કલમ ૨૨૩ હેઠળ ગુનો નોંધી ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાની કલમ મુજબ નોટિસ આપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.






