એ ડિવિઝન પોલીસે ૨૪ બોટલ સહિત રૂ.૨.૨૬ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો: ૬ પૈકી ૩ આરોપીઓ રાજસ્થાનના.
મોરબી સીટી એ ડિવિઝન પોલીસે પૂર્વ બાતમીને આધારે શકત શનાળા ગામે નીતિનનગર વિસ્તારમાં દરોડો પાડી આઈ-૨૦ કારમાંથી વિદેશી દારૂની હેરાફેરી કરતા છ શખ્સોને ઝડપી પાડ્યા હતા. પોલીસે ૨૪ બોટલ વિદેશી દારૂ અને કાર સહિત રૂ.૨.૨૬ લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ઝડપાયેલા ૬ પૈકી ત્રણ આરોપીઓ રાજસ્થાનના હોવાનું સામે આવ્યું છે. હાલ વિદેશી દારૂની માત્ર ૨૪ બોટલ પકડાઈ છે, ત્યારે આગામી સમયમાં દારૂનો મોટો જથ્થો હાથ લાગે તો નવાઈ નહિ, તેવી લોકોમાં ચર્ચાએ જોર પકડ્યું છે.
મોરબી સીટી એ ડિવિઝન પોલીસ ટીમ દ્વારા મળેલી બાતમીના આધારે શકત શનાળા ગામે નીતિનનગર આનંદ પેલેસ સામે બાવળની ઝાડી પાસે દરોડો પાડવામાં આવ્યો હતો. જ્યાં પોલીસે સફેદ રંગની આઈ-૨૦ કાર રજી.નં. જીજે-૩૬-એલ-૨૦૭૪માંથી પ્લાસ્ટિકના ઝબલામાં વિદેશી દારૂની બોટલો ઉતારતા છ શખ્સોને રંગેહાથ ઝડપી પાડ્યા હતા. પોલીસે કારમાંથી બ્લેન્ડર પ્રાઇડ વ્હિસ્કીની ૨૪ બોટલ કિ.રૂ.૨૬,૪૦૦/- તથા કાર કિ.રૂ.૨ લાખ સહિત કુલ રૂ.૨,૨૬,૪૦૦/- ના મુદ્દામાલ સાથે આરોપી પીન્ટુ ઉર્ફે કાનો રમેશભાઈ ખાંભલા ઉક.૨૯ રહે.રાજપર રોડ પટેલ સમાજવાડી સામે શનાળા-મોરબી, ચિંતનભાઈ ભરતભાઈ કરકટા ઉવ.૨૦ રહે. સાંઈબાબા મંદિર પાસે શકત શનાળા, વિશાલભાઈ કમલેશભાઈ શિયાળ ઉવ.૨૧ રહે.અમરેલી રોડ વીશીપરા મોરબી, રવીન્દ્રપાલસિંહ રતનસિંહ રાવત ઉવ.૨૩ રહે.લગેતખેડા બ્યાવર રાજસ્થાન, દેવેન્દ્રસિંહ પ્રતાપસિંહ વિજયસિંહ રાવત ઉવ.૨૨ રહે.પાલુના બડકોચરા બ્યાવર રાજસ્થાન અને રમેશસિંહ હરિસિંહ પુરણસિંહ રાવત ઉવ.૨૯ રહે.દેવખેડા બ્યાવર રાજસ્થાન વાળાની અટકાયત કરી છે.
સૂત્રોના જણાવ્યા મુજબ હાલ માત્ર ૨૪ બોટલો મળી આવી છે, પરંતુ પોલીસ તપાસ દરમિયાન દારૂનો વધુ મોટો જથ્થો અને અન્ય સંડોવાયેલા શખ્સો બહાર આવે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. હાલ પોલીસે તમામ આરોપીઓ સામે પ્રોહી.એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.






