Wednesday, June 3, 2026
HomeGujaratટંકારામાં પ્રિ-મોન્સૂન કામગીરી માત્ર કાગળ પર!બે છાંટા પડ્યે "વિજળી રાણી" રિસાઈ જશે...

ટંકારામાં પ્રિ-મોન્સૂન કામગીરી માત્ર કાગળ પર!બે છાંટા પડ્યે “વિજળી રાણી” રિસાઈ જશે અને પ્રજા પરેશાન થશે

ટંકારા શહેરમાં પીજીવીસીએલ (PGVCL)ની પ્રિ-મોન્સૂન કામગીરીના ધજાગરા ઉડી ગયા છે. ટંકારાવાસીઓ માટે ચોમાસું જાણે અંધારપટની આફત લઈને આવતુ હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. શહેરમાં માત્ર ‘બે છાંટા’ વરસાદ પડતાંની સાથે જ વિજળી રાણી રિસાઈ જાય છે અને સમગ્ર શહેર અંધકારની ચાદર ઓઢી લે છે. તંત્ર દ્વારા દર વર્ષે પ્રિ-મોન્સૂન કામગીરીના મોટા-મોટા દાવા કરવામાં આવે છે, પરંતુ વાસ્તવિકતા એ છે કે તંત્ર હજુ પણ અતીતની ગર્તામાં જ સોડતાઈને બેઠું હોય તેમ લાગે છે અને યોગ્ય કામગીરી આરંભવામાં આવી જ નથી.શહેરના મોટા ભાગના ટીસી (ટ્રાન્સફોર્મર) હાલમાં ભયજનક સ્થિતિમાં છે. ટીસીની આસપાસ જંગલી ઝાડી-ઝાંખરા એટલી હદે વધી ગયા છે કે જો કોઈ મોટો ફોલ્ટ સર્જાય કે ડિયો બળી જાય, તો તેને રિપેર કરવા કે નવો બાંધવા માટે લાઈનમેનોએ ભારે જહેમત ઉઠાવવી પડે તેમ છે. આ ભયંકર સ્થિતિ ગમે ત્યારે મોટી દુર્ઘટનાને આમંત્રણ આપી શકે છે.

- Advertisement -
- Advertisement -

શહેરમાં ઠેર-ઠેર લટકતા વીજ તારના ઝુમખાં જોવા મળી રહ્યા છે. પવન ફૂંકાતાની સાથે જ આ તારો એકબીજા સાથે અથડાઈને ભયાનક સ્પાર્ક (તણખા) ઉત્પન્ન કરે છે, જેને કારણે સ્થાનિકોમાં સતત ફફડાટ વ્યાપેલો રહે છે. આ ઉપરાંત, લો-વોલ્ટેજની ગંભીર સમસ્યાને કારણે લોકોના કિંમતી ઈલેક્ટ્રોનિક ઉપકરણો બળી જવાનો પણ ભય રહે છે.

ટંકારાના પીજીવીસીએલ તંત્રની આવી ઘોર બેદરકારી અને આળસ સામે હવે સ્થાનિક નાગરિકોમાં ઉગ્ર રોષ જોવા મળી રહ્યો છે. લટકતા તાર, વારંવાર ગુલ થતી વીજળી અને લો-વોલ્ટેજના આ કાયમી ત્રાસમાંથી જનતાને મુક્તિ ક્યારે મળશે અને કોણ અપાવશે? તે હાલ ટંકારા શહેરનો સૌથી મોટો સવાલ બની ગયો છે.શું ઉચ્ચ અધિકારીઓ આ બાબતે જાગશે ખરા?તે તો આગામી સમય જ બતાવશે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!